ખેડૂતોનાં દેવાં માફ સહિત MPમાં કોંગ્રેસે વહેંચી રેવડીઓ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે. કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યની જનતાને ચૂંટણીવચનો આપ્યાં છે. તેમણે કહ્યું હતું કે જો MPમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનાં દેવા માફ કરવામાં આવશે. રાજ્યની મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1500 આપવામાં આવશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો કમલનાથ CM બનશે તો મધ્ય પ્રદેશના ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. રાજ્યમાં રૂ. 500માં LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે 100 યુનિટ સુધીનાં વીજ બિલ માફ કરવામાં આવશે. જૂની પેન્શન યોજના સરકારી કર્મચારીઓ માટે લાગુ થશે. આ ઉપરાંત તેમણે રાજ્યમાં જાતિગત વસતિ ગણતરી કરવાનું વચન પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આનાથી પછાત વર્ગોને ફાયદો થશે. તેમણે કહ્યું કે આ કારણે જ અમે પછાત વર્ગના છ યુવાનોને વર્કિંગ કમિટીનો હિસ્સો બનાવ્યો છે.

તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની આ સરકાર ગેરકાયદે છે. તેમણે અમારા ધારાસભ્યોની ચોરી કરી, બીજી તરફ તેઓ કહે છે કે તેમણે પોતાના સિદ્ધાંતો પર સરકાર બનાવી છે. તેઓ હંમેશાં પૂછે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું. અમે બંધારણને બચાવ્યું તેથી તેઓ વડા પ્રધાન બન્યા છે.