નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના મોટાં બહેન અને સોનિયા ગાંધીનાં પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સક્રિય રાજકારણમાં વિધિવત્ પ્રવેશ કર્યો છે. એમને ઉત્તર પ્રદેશ પૂર્વ માટે કોંગ્રેસ પક્ષના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. લોકસભાની ચૂંટણી આડે હવે અમુક જ મહિના બાકી રહ્યા છે ત્યારે પ્રિયંકાની નિમણૂક કરીને કોંગ્રેસે સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે.
પ્રિયંકાનાં પતિ રોબર્ટ વાડ્રાએ આ સમાચાર બાદ પ્રિયંકાને ફેસબુક મારફત અભિનંદન આપ્યા છે.
પ્રિયંકાની નિયુક્તિથી કોંગ્રેસમાં આનંદ છવાઈ ગયો છે અને પ્રિયંકા પર અભિનંદનનો વરસાદ વરસવાનું શરૂ થયું છે.
યુથ કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે, ‘ખૂબ ખૂબ અભિનંદન પ્રિયંકા ગાંધીને, ઉત્તર પ્રદેશ પૂર્વ માટે કોંગ્રેસના મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ. અમને વિશ્વાસ છે કે તમારી સક્ષમ નેતાગીરી હેઠળ પાર્ટી જ્વલંત વિજય હાંસલ કરશે.’
પ્રિયંકાની નિયુક્તિની જાહેરાત કોંગ્રેસે એક અખબારી યાદીમાં કરી છે. આ મહત્ત્વના પદ પર એમની નિમણૂક એમનાં ભાઈ તથા પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ કરી છે. પ્રિયંકા આવતી 1 ફેબ્રુઆરીથી એમનો હોદ્દો સંભાળશે. હાલ તેઓ વિદેશમાં છે.
કોંગ્રેસના સિનિયર નેતા મોતીલાલ વોરાએ કહ્યું કે, પ્રિયંકાને આપવામાં આવેલી જવાબદારી ઘણી જ મહત્ત્વની છે. એનાથી માત્ર પૂર્વીય ઉત્તર પ્રદેશનું જ રાજકારણ નહીં, પણ બીજા પ્રદેશોમાં પણ અસર ઉપજાવશે.
httpss://twitter.com/IYC/status/1087981374269739008
httpss://twitter.com/INCIndia/status/1087974889049473024