હિંદુ મહિલા ને મુસ્લિમ પિતાના લગ્ન ગેરમાન્ય, સંતાન માન્યઃ સુપ્રીમ

નવી દિલ્હી- હિંદુ મહિલા અને મુસ્લિમ પુરૂષના લગ્ન ભલે માન્ય ન હોય પરંતુ તેમના વૈવાહિક સંબધથી જન્મેલું બાળકને કાયદેસર ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ અંગે  મહત્વના ચૂકાદામાં કહ્યું છે કે, ભલે મહિલા અને પુરૂષના લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ થયાં હોય પરંતુ તેમના લગ્ન બાદ પેદા થયેલા સંતાનને પોતાના પિતાની સંપત્તિ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના જસ્ટીસ એનવી રમન અને જસ્ટીસ એમ શાંતાનાગોદરની બેંચના આદેશને યથાવત રાખ્યો હતો. વાસ્તવમાં કોર્ટે આ આદેશ એક અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો. મોહમ્મદ ઈલિયાસ અને વલ્લિઅમ્મા વચ્ચે લગ્ન બાદ તેમનો પુત્ર શમશુદ્દીન પેદા થયો હતો. આ કેસમાં બંને પક્ષે કોર્ટમાં પહોંચ્યા હતાં. કોર્ટે આ પુત્રને કાયદેસરનો ગણાવતા કહ્યું કે, તેમને પિતાની સંપત્તિમાં ભાગ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.

મહત્વનું છે કે, શમસુદ્દીનના પિતા મોહમ્મદ ઈલિયાસ મુસ્લિમ છે, જ્યારે માતા વલ્લીઅમ્મા હિંદુ છે. બંન્ને વચ્ચે પ્રેમ થયો અને બંન્ને લોકોએ પરિવારજનોથી છુપાઈને લગ્ન કરી લીધા. લગ્ન બાદ શમશુદ્દીન પેદા થયો હતો. જ્યારે શમશુદ્દીને પોતાના પિતાની સંપત્તિ પર પોતાનો હક્ક માંગ્યો ત્યારે તેમના પિતાના ઘરવાળાઓએ તેમને હક્ક આપવાની મનાઈ કરી દીધી હતી.

પિતરાઈ ભાઈઓ કોર્ટમાં એવી દલીલ રજૂ કરી કે, શમશુદ્દીનના માતા-પિતાએ કાયદાકીય રીતે લગ્ન નથી કર્યા અને લગ્ન સમયે શમશુદ્દીનની માતા હિંદુ હતી. તમામ દલીલોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિચલી કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, જો મુસ્લિમ અને હિંદુ વચ્ચે આ પ્રકારના અનિયમિત લગ્ન થાય તેવા કિસ્સામાં પત્નીને મેહર મેળવવાનો હક્ક મળશે પરંતુ તેમને પતિની સંપત્તિમાં હક્ક નહીં મળે. તેમ છતાં આ લગ્નથી જન્મેલુ બાળક સંપૂર્ણ રીતે પિતાની સંપત્તિમાં હક્ક મેળવી શકશે.