નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું છે કે સમગ્ર વિરોધપક્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી ઉખેડી નાખવા સંગઠિત થશે. આમ કહીને રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યો છે કે એ દેશમાં ભાગલા પડાવી રહ્યા છે.
તેમ છતાં શાસક ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધપક્ષ પર એવો આક્ષેપ કર્યો છે કે તે હિંસા મારફત લોકોમાં ગભરાટ ઊભો કરે છે. સામાન્ય માનવીએ બંધને ટેકો આપ્યો નથી એટલે બંધ નિષ્ફળ રહ્યો છે.
ઈંધણના વધી ગયેલા ભાવ વિરુદ્ધ ‘ભારત બંધ’ના આયોજનના ભાગરૂપે અહીં રામલીલા મેદાન ખાતે વિપક્ષી નેતાઓને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે ભાજપ ધર્મ, જાતિ અને રાજ્યોના આધારે લોકોમાં ભાગલા પડાવે છે.
દરમિયાન, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે સામાન્ય જનતા જાણે છે કે ઈંધણના ભાવને અંકુશમાં રાખવાનું સરકારના હાથમાં નથી. આ બધું સમયને આધારિત છે. લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે, પણ એ હિંસા મારફત હોવો ન જોઈએ.
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલા ખૂબ વધારા તેમજ યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા સતત ઘસારા અને મોંઘવારી સામેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ આજે ‘ભારત બંધ’નું એલાન કર્યું હતું. બંધનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો હતો.
ઘણા રાજ્યોમાં બંધને કારણે જનજીવન ખોરવાયું
ભારત બંધ આંદોલન મોટે ભાયે શાંતિપૂર્ણ રહ્યું હતું અને તેને કારણે આજે ઘણા રાજ્યોમાં સામાન્ય જનજીવનને માઠી અસર પડી હતી. ઘણા રાજ્યોમાં વાહનો રસ્તાઓ પરથી ગાયબ રહ્યા હતા.
બંધ દરમિયાન હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા.
ઓડિશામાં ટ્રેન સેવાને અવળી અસર પડી હતી.
કેરળ, કર્ણાટક, બિહાર, ઓડિશા અને અરૂણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં બંધ સફળ રહ્યો હતો, પણ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મિઝોરમમાં ખાસ અસર થઈ નહોતી.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મુંબઈમાં દુકાનો, શોરૂમ્સ બંધ રહ્યા હતા, પણ શાળા, કોલેજો, ખાનગી ઓફિસો, પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા રાબેતા મુજબ રહી હતી.
કોંગ્રેસ પ્રેરિત ‘ભારત બંધ’ને 21 રાજકીય પક્ષોનો ટેકો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરની યાત્રા ટૂંકાવીને દિલ્હી પાછા આવી ગયા છે. આજે સવારે પહેલાં તેઓ રાજઘાટ ખાતે ગયા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કૈલાશ માનસરોવરનું પવિત્ર જળ પણ ચડાવ્યું હતું. ત્યાંથી એ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે ‘ભારત બંધ’ કૂચમાં સામેલ થયા હતા. આ કૂચ રાજઘાટથી રામલીલા મેદાન સુધીની હતી.
મુંબઈમાં, પોલીસે આંદોલનની શરૂઆત થાય એ પહેલાં જ સવારે 7.30 વાગ્યાની આસપાસ મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરુપમને અટકાયતમાં લીધા હતા.
કોંગ્રેસ નેતા અજય માકને જણાવ્યું છે કે પેટ્રોલ અને ડિઝલને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવામાં આવે એવી પણ અમારી માગણી છે, જેથી પેટ્રોલ-ડિઝલના ભાવ રૂ. 15-18 ઘટી શકે.
કોંગ્રેસની માગણી છે કે રાજ્યોમાં આબકારી જકાત અને વધુપડતા ઊંચા વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં પણ તત્કાળ ઘટાડો કરવો જોઈએ.
કોંગ્રેસના ‘ભારત બંધ’ને 21 જેટલા રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો છે, પણ શિવસેનાએ બંધને ટેકો આપવાનો ઈનકાર કર્યો છે.
બંધમાં મનસે પાર્ટી સક્રિય રીતે સામેલ થશેઃ રાજ ઠાકરે
રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી ‘ભારત બંધ’ને ટેકો જાહેર કર્યો છે અને તે બંધમાં સક્રિય રીતે ભાગ લેશે.
કોંગ્રેસના આ બંધને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય માર્ક્સવાદી પાર્ટી, શેતકરી કામગાર પક્ષ, પીપલ્સ રિપબ્લિકન પક્ષ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ ટેકો જાહેર કર્યો છે.
રાજ ઠાકરેએ ગઈ કાલે રવિવારે એમની પાર્ટીના જનરલ સેક્રેટરી, ઉપાધ્યક્ષ તથા વિભાગ અધ્યક્ષોની મહત્વની બેઠક બોલાવી હતી. ત્યારબાદ રાજ ઠાકરેએ જાહેરાત કરી હતી કે એમની પાર્ટી સોમવારના ‘ભારત બંધ’માં સહભાગી થશે.
રાજ ઠાકરેએ એમની પાર્ટીના કાર્યકર્તાઓને સૂચના આપી છે કે આવતીકાલના બંધમાં સામેલ થવાનું, પણ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું નહીં તેમજ જાહેર જનતાને કોઈ પણ પ્રકારનો ત્રાસ થાય નહીં એની સૌએ કાળજી લેવાની રહેશે.
ઠાકરેએ કહ્યું છે, મોદી સરકારને એની ભૂલોનું ભાન કરાવવાની જરૂર છે.
httpss://twitter.com/RajThackeray/status/1038683909800779776