પ્રત્યેક-વચન પૂર્ણ કરાશેઃ હિમાચલની જનતાને રાહુલની ખાતરી

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આજે જીત હાંસલ કર્યા બાદ પક્ષના નેતાઓએ કોંગ્રેસમાં ફરી ભરોસો મૂકીને સ્પષ્ટ બહુમતી આપવા બદલ રાજ્યની જનતાનો આભાર માન્યો છે. પક્ષે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હિન્દીમાં લખ્યું છેઃ ‘આ જીત આપ સહુની છે. આભાર હિમાચલ પ્રદેશ.’ આ સાથે કોંગ્રેસ પાર્ટી ત્રણ રાજ્યમાં સ્વબળે શાસનકર્તા બની છે – રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ. જ્યારે ઝારખંડ, બિહાર અને તામિલનાડુમાં તે જોડાણમાં રહીને સત્તા પર છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ હિન્દીમાં પોસ્ટ કરેલા ટ્વીટમાં લખ્યું છે, આ નિર્ણાયક જીત બદલ હિમાચલ પ્રદેશની જનતાનો દિલથી આભાર. તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને હાર્દિક અભિનંદન. આ જીત આપની આકરી મહેનત અને નિષ્ઠાને આભારી છે. રાહુલે વધુમાં લખ્યું છે કે, હું આપને ફરી ખાતરી આપું છું કે જનતાને આપવામાં આવેલા પ્રત્યેક વચનને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.