નવી દિલ્હીઃ સરકારે નવા સરોગસી નિયમો જાહેર કર્યા છે. સરકારના નિયમો મુજબ હવે જે દંપતી સરોગસીથી માતા-પિતા બનવા માગતા હોય તેમણે સરોગેટ માતાઓ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ ફરજિયાતપણ લેવાનો રહેશે. સરકારે 21 જૂને બહાર પાડેલા જાહેરનામા મુજબ આરોગ્ય મંત્રાલયે સરોગસી ક્લીનિકો ચલાવવા માટેની જરૂરિયાત અને એ માટેની યોગ્યતાઓની સાથે તેમણે યોગ્ય ફોર્મેટમાં માતાની સહમતી અને સરોગસી ક્લિનિકના રજિસ્ટ્રેશન માટેની અરજી અને સરોગસીનો લાભ લેનાર દંપતીની માહિતી પૂરી પાડવાની રહેશે.
સરકારની સરોગસીના નિયમોની નવી જોગવાઈ મુજબ દંપતીએ સરોગેટ માતા માટે ત્રણ વર્ષ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે. આ વીમામાં માતાની ગર્ભાવસ્થા દરમ્યાનની અને એ પછીની બધી અડચણોના ખર્ચાને આવતી લેતો વીમો હોવો જરૂરી છે અને એ ઇરડા દ્વારા માન્યતાપ્રાપ્ત હોવો જોઈએ.
સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021 મુજબનો ઇન્સ્યોરન્સ એટલે કે એમાં કંપની, વ્યક્તિગત અથવા દંપતીએ સરોગસી માતાને બાંયધરી આપવાની રહેશે, જેમાં મેડિકલ ખર્ચા, હેલ્થ ઇશ્યુ, નુકસાન થાય તો એ, માંદગી અથવા સરોગેટ માતા મૃત્યુ પામે એના વળતરની ખર્ચને આવરી લેવાનો રહેશે. આ ઉપરાંત સરોગસીની પ્રક્રિયા દરમ્યાન સરોગેટ માતાને લગતા અન્ય કોઈ પણ ખર્ચ થાય તો એ પણ જેતે દંપતીએ ચૂકવવાના રહેશે.
વળી, સરકારે એમ પણ જણાવ્યું છે કે સરોગેટ માતા પર સરોગસીની પ્રક્રિયા ત્રણ વારથી વધુ નહીં કરી શકાય.