જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પક્ષ-વિપક્ષના સભ્યો વચ્ચે મારામારી

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પાંચ દિવસના સત્રનો પ્રારંભ હંગામા સાથે થયો હતો.  વિધાનસભામાં ખતમ થઈ ચૂકેલા આર્ટિકલ 370ને લઈને હંગામો જારી છે આજે વિધાનસભામાં વિધાનસભ્યો વચ્ચે મારામારી પણ થઈ હતી. હજી એક દિવસ પહેલાં જ આર્ટિકલ 370 મુદ્દે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. એ દરમ્યાન ભારે હંગામો થયો હતો. ભાજપે એનો વિરોધ કર્યો હતો.  

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવાર મોટી બબાલ થઈ હતી. કલમ 370ની વાપસીના મુદા પર પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. એનો વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્યો એકબીજાને ધક્કા મારતા દેખાય છે.

કે બારામુલાથી લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદના ભાઇ ખુર્શીદ અહમદ શેખે સદનમાં આર્ટિકલ 370નું બેનર બતાવતાં પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાને મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો. ત્યાર બાદ ગૃહને થોડી વાર માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

વિધાનસભાની સ્થિતિ એવી થઇ ગઇ છે કે માર્શલને બચાવવા માટે વચ્ચે આવવું પડ્યું. વિધાનસભામાં હંગામો કરી રહેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યોને માર્શલોએ બહારનો રસ્તો બતાવ્યો. ત્યાર બાદ ગૃહની કાર્યવાહી થોડી વાર માટે સ્થગિત કરી દીધી છે.

અહમદ શેખ લંગેટ વિધાનસભા સીટ પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ આર્ટિકલ 370 અને 35 A ને ફરીથી બહાલ કરવા માટે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.