દેશમાં ગૃહયુદ્ધ કરવાનો, ઇસ્લામી સ્ટેટ બનાવવાનો PFIનો ઉદ્દેશઃ ED

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પર મોટો ખુલાસો કર્યો છે. PFIનું વિદેશોમાં મોટું નેટવર્ક છે. સિંગાપુર અને ખાડી દેશોમાં 13,000થી વધુ PFIના સક્રિય સભ્યો છે. આ દેશોમાં પૈસા એકત્ર કરવા માટે PFIએ એક સમિતિની રચના કરી છે. જે પૈસા કલેક્ટ કરીને ભારત મોકલે છે. અહીં એ પૈસાનો ઉપયોગ ગેરકાયદે કામગીરીમાં અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.

PFIનો અસલી મકસદ ભારતમાં જેહાદ દ્વારા ઇસ્લામી સ્ટેટની સ્થાપના કરવાનો છે. મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસમાં EDને અત્યાર સુધી રૂ. 94 કરોડની સંપત્તિ માલૂમ પડી છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં એજન્સીએ PFIથી જોડાયેલા 26 લોકોની ધરપકડ કરી છે. દેશમાં PFIને ફરી મજબૂત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

એજન્સીએ PFIની ચલ અને અચલ 35 સંપત્તિઓને જપ્ત કરી છે. આ સંપત્તિની કિંમત આશરે રૂ. 57 કરોડ છે. આ સંપત્તિઓ અનેક ટ્રસ્ટ, કંપનીઓ અને ખાનગી સંપત્તિઓ પણ સામેલ છે. એજન્સીએ દિલ્હી પોલીસ અને NIA દ્વારા નોંધાયેલા કેસોનો આધાર બનાવીને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. PFIના દેશ અને વિદેશમાં 29 ખાતાઓમાં ફંડ આવ્યું છે અને નકલી ફંડોના હવાલા દ્વારા અને અન્ય પ્રકારે નાણાં મોકલવામાં આવે છે.