થિયેટરોમાં ખાદ્યપદાર્થો લઈ જવા બાબતે સુપ્રીમ-કોર્ટનો નિર્ણય

નવી દિલ્હીઃ થિયેટરોમાં બહારથી ખાવા-પીવાની ચીજવસ્તુઓ લઈ જવાની પરવાનગી આપતા જમ્મુ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સુનાવણી વખતે જણાવ્યું કે સિનેમા હોલ એ કંઈ જિમ્નેશ્યમ નથી કે જ્યાં તમારે પૌષ્ટિક આહારની જરૂર પડે. એ તો એક મનોરંજનનું સ્થળ છે.

દેશના ચીફ જસ્ટિસ વાય.વી. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પી.એસ. નરિસંહાની બેન્ચે એમ પણ કહ્યું કે થિયેટર એ તેના માલિકની અંગત સંપત્તિ છે. થિયેટરોમાં કોઈ માતા-પિતાની સાથે એનું નાનું બાળક હોય તો એને માટે ખાદ્યપદાર્થની પર્યાપ્ત વ્યવસ્થા કરવાની જવાબદારી થિયેટરમાલિકની રહેશે. એવી જ રીતે, બધાયને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનો આદેશ પણ આ પૂર્વે આપવામાં આવ્યો જ છે. જેમ કયા થિયેટરમાં જઈને કઈ ફિલ્મ જોવી તે પ્રેક્ષકનો હક્ક અને ઈચ્છા છે, તો એવી જ રીતે થિયેટરોમાં કયા નિયમ બનાવવા તે નક્કી કરવાનો હક્ક થિયેટરના માલિકનો છે. તેથી પ્રેક્ષકોને બહારથી ખાદ્યપદાર્થો લાવવાની થિયેટરમાલિક મનાઈ ફરમાવી શકે છે. પ્રેક્ષકો ખાદ્યપદાર્થો ખાઈને ત્યાં કચરો નાખે, ગંદકી કરે, સીટ ખરાબ કરે તો એના પૈસા કોણ આપશે?