ચેન્નાઈ- ભારતની સૌપ્રથમ મલ્ટી વેવલેન્થ સંચાલિત વેધશાળા એસ્ટ્રોસેટે એક ખાસ ગેલેક્સી સમૂહનો ફોટો કેદ કર્યો છે. આ ગેલેક્સી સમુહ પૃથ્વીથી લગભગ 80 કરોડ પ્રકાશવર્ષ દૂર છે. જેને એબેલ-2256 નામ આપવામાં આવ્યું છે. જેમાં ત્રણ અલગ અલગ ગેલેક્સી સમૂહનો સમાવેશ થાય છે. જેનો એકબીજામાં વિલય થયો છે.આ ત્રણ મુખ્ય ગેલેક્સીઓમાં 500થી વધુ અન્ય નાનીમોટી ગેલેક્સીઓ આવેલી છે. જે આપણી આકાશગંગા ગેલેક્સી કરતાં 100 ગણી મોટી છે અને જેનું વજન પણ 1500 ગણું વધારે છે. આ અંગેની માહિતી આપતા ઈસરોએ જણાવ્યું કે, ‘આ એસ્ટ્રોસેટ ફોટો ઓફ ધ મંથ’ છે. વધુમાં ઈસરોએ જણાવ્યું કે, આ ગેલેક્સીને વિશ્વના તમામ દરેક રેડિયો ટેલિસ્કોપમાં પ્રતિબિંબિત કરવામાં આવી છે.
ગેલેક્સીના આ સમૂહે પોતાના અધિકાર ક્ષેત્રમાં આસપાસની નાનીમોટી ઘણી ગેલેક્સીઓને સમાવી લીધી છે. જેમાંથી ખગોળશાસ્ત્રીઓએ છ ગેલેક્સીઓને ઝૂમ કરીને અલ્ટ્રાવાયોલેટ તસવીરો કેદ કરી છે. આમ કરવા માટે ખગોળશાસ્ત્રીઓએ અલ્ટ્રાવાયોલેટ ઈમેજિંગ ટેલિસ્કોપનો (UVIT) ઉપયોગ કર્યો હતો.
ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું કે, ગેલેક્સી સમૂહોની રચના અવી પરિસ્થિતિમાં થાય છે જ્યારે સર્પાકાર આકૃતિવાળી ગેલેક્સીઓ ધીરે ધીરે અંડાકાર આકારમાં પરિણમે છે. સ્પાઈરલ આકૃતિ જેમ કે, આપણી આકાશગંગા ગેલેક્સી. જે વાદળી રંગની હોય છે. જેમાં સતત નવા તારાઓનું નિર્માણ થયા કરે છે. જ્યારે લેન્ટિક્યુલર ગેલેક્સી મુખ્યત્વે લાલ રંગની હોય છે અને જેમાં વિશેષકરીને જૂના તારાઓનો સમાવેશ થાય છે.