ચારધામ યાત્રા 2025: પહેલા દિવસે 1.65 લાખ રજિસ્ટ્રેશન કરાવ્યું

ચારધામ યાત્રા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રાને લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને પહેલા જ દિવસે 1.65 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી લીધી છે. આમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન કેદારનાથ ધામ માટે થયું છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે, જે દિવસે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલશે, જ્યારે 2 મેના રોજ કેદારનાથ અને બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે.

કેટલા શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન?
પ્રવાસન વિભાગે ગુરુવારે સવારે 7 વાગ્યે ઓનલાઈન નોંધણી પોર્ટલ અને “Tourist Care Uttarakhand” મોબાઈલ એપ લોન્ચ કર્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 1.65 લાખથી વધુ યાત્રાળુઓએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત રાખવામાં આવ્યું છે.

  • પ્રવાસન વિભાગના આંકડા મુજબ, પહેલા દિવસે કેદારનાથ માટે 53,570 શ્રદ્ધાળુઓએ નોંધણી કરી, જે સૌથી વધુ છે.
  • બદ્રીનાથ ધામ માટે 49,385 લોકોએ રજિસ્ટર કર્યું.
  • ગંગોત્રી માટે 30,933 અને યમુનોત્રી માટે 30,224 યાત્રાળુઓએ નોંધણી કરાવી.
  • હેમકુંડ સાહિબ માટે 1,180 શ્રદ્ધાળુઓએ પોતાનું નામ નોંધાવ્યું.

હેલિકોપ્ટર સેવા માટે પણ તૈયારી
ચારધામ યાત્રાને સરળ બનાવવા હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરાશે. કેદારનાથ માટે હેલિસેવાનું ઓનલાઈન બુકિંગ એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુપ્તકાશી, સિરસી અને ફાટાથી નવ ઉડ્ડયન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓ ચલાવશે. આ સેવાનું બુકિંગ IRCTC દ્વારા થશે, અને તેનો લાભ લેવા ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.

  • હોટલોમાં પણ બુકિંગની ભીડ વધી રહી છે.
  • UCADAના CEO સોનિકાએ જણાવ્યું કે, હેલિસેવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે.
  • યાત્રાળુઓની સુવિધા માટે પ્રવાસન વિભાગે “Tourist Care Uttarakhand” એપ શરૂ કરી છે, સાથે જ 24 કલાક ઉપલબ્ધ ટોલ-ફ્રી નંબર 0135-1364 પણ જાહેર કર્યો છે.