કશ્મીર,પંજાબ સહિત ઉત્તર ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ પર, કેટલાક એરપોર્ટો ખાલી કરાવાયા

નવી દિલ્હી- પાકિસ્તાના બાલાકોટમાં ભારતીય એરફોર્સની સર્જીકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાક સરહદ પર તણાવ વધી ગયો છે. આજે સવારે પાકિસ્તાનના વિમાનોએ ભારતની સરહદ ઓળંગી હતી, ત્યાર બાદ ભારતીય વાયુસેનાના F-16 લડાકુ વિમાનને તોડી પાડયુ હતું. જેને પગલે સ્થિત વધુ ગંભીર બનતા ભારત અને પાકિસ્તાનને કેટલાક એરપોર્ટ્સને બંધ કરી દેવામાં આવ્યાં છે.

દિલ્હીથી પાકિસ્તાનની તમામ ઉડાનો રદ્દ કરવામાં આવી, અમૃતસર અને ચંદીગઢથી પણ તમામ ઉડાનોને હાલ પુરતી સ્થગીત કરી દેવામાં આવી છે. ચંદીગઢમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ શ્રીનગર, જમ્મુ અને લેહ સહિતના પાંચ વિમાન મથકો પર તમામ કોમર્શિયલ વિમાનોની આવક જાવક બંધ કરી દેવામાં આવી છે. રાજસ્થાનનું જેસલમેર એરપોર્ટ પણ સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યું, અને સાથે તમામ ઉડાનો રદ્દ કરી દેવામાં આવી છે.

પીટીઆઈ તરફથી મળતા અહેવાલ અનુસાર દિલ્હીથી ઉત્તર વિસ્તારનો સમગ્ર એર સ્પેસ ખાલી કરાવવામાં આવ્યો છે. મળતા લેટેસ્ટ અપડેટ અનુસાર હાઈ એલર્ટ બાદ અમૃતસર એરપોર્ટને ખાલી કરાવવામાં આવ્યું છે. દેહરાદૂન એરપોર્ટ પર વિમાન સેવાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેથી પસાર થનારા અન્ય આંતરરાષ્ટ્રીય વિમાનો પર પણ બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવની અસર જોવા મળી રહી છે. કેટલાક વિમાનો પરત જતા રહ્યાં છે, અને કેટલાકે તેમનો રૂટ બદલી નાંખ્યો છે.

વડાપ્રધાન મોદી એનએસએ અજીત ડોભાલ સહિત દેશના ટોચના અધિકારીઓ સાથે એક મહત્વ પૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમા વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ વધતા જતા તણાવને પગલે પાકિસ્તાને પણ પાતોના કેટલાક એરપોર્ટ પર સેવાઓ બંધ કરી દીધી છે. લાહોર, મુલ્તાન, ફૈસલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ વિમાન મથક પર ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ કરી દીધી છે.

સુરક્ષાને પગલે હેલ્થ વિભાગે રાજ્યના સરહદી જિલ્લાઓમાં દવાઓનો પુરતો જથ્થો આરોગ્ય કેન્દ્રો પર રાખવા માટે આદેશ કર્યો છે. આરોગ્ય કર્મચારીઓને બિનજરૂરી રજા પર નહીં જવા માટે પણ સુચના આપવામાં આવી છે.

કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ પાકિસ્તાનમાં ભારતની કાર્યવાહી પર નિવેદન આપતા કહ્યું કે, જો અમેરિકાના નેવી સીલ કમાન્ડો એબાટાબાદથી ઓસામા બિન લાદેનને મારીને પોતાની સાથે લઈ જઈ શકતા હોય તો, આજે પણ ગમે તે સંભવ છે.