નવી દિલ્હી- દેશના રાજકારણમાં રહેલા નેતાઓ જેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યાં છે તેના પડતર કેસનો નિકાલ લાવવાના આશયથી કેન્દ્રની મોદી સરકાર દેશમાં 12 નવી સ્પેશિયલ કોર્ટનું નિર્માણ કરશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સરકાર તરફથી કાયદાપ્રધાને આ માહિતી આપી હતી. આ પ્રકારની અદાલતોનું નિર્માણ આગામી એક વર્ષમાં કરી લેવામાં આવશે. જે અંગેનું માળખું સરકારે તૈયાર કરી લીધું છે.
આ 12 અદાલતોના નિર્માણકાર્યમાં અંદાજીત 7.8 કરોડ રુપિયાનો ખર્ચ થવાની ધારણા છે. આપને જણાવી દઈએ કે, દેશમાં એવા હજારો રાજનેતાઓ છે જેમના સામે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. ન્યાયપ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે આવા નેતાઓ ચૂંટણી લડીને સંસદસભ્ય અથવા ધારાસભ્ય બની જાય છે. કાયદા અનુસાર એકવાર દોષી સાબિત થયેલા MP અથવા MLAની સદસ્યતા નિયમાનુસાર જાતે જ સમાપ્ત થઈ જાય છે. પરંતુ કાયદાની છટકબારીઓ શોધીને આ પ્રકારના નેતાઓ પોતાની સદસ્યતા બચાવવામાં સફળ રહે છે.
ગત મહિને નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે સજા પામેલા નેતાઓના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મુકવાની ભલામણ કરી હતી. ચૂંટણીપંચની અરજીના અનુસંધાને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પેશિયલ કોર્ટ બનાવવાની શક્યતાઓ પર કેન્દ્રિય કાયદાપ્રધાન પાસે 6 અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. આ મામલે કેન્દ્ર સરકારે સ્પેશિયલ કોર્ટ બનાવવા તૈયારી દર્શાવી હતી પરંતુ વધુમાં જણાવ્યું કે, આ વિવિધ રાજ્યો સાથે જોડાયેલો પ્રશ્ન છે. જેથી આ મામલે બધાનું સંકલન સધાય તે જરુરી છે.
સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ વધુ ઝડપથી ચાલશે જેથી અપરાધી નેતાઓ સામેના પડતર કેસનો જલદી નિકાલ લાવી શકાશે. ઉપરાંત તેને રાજનીતિથી બાહર રાખીને કામ ચલાવી શકાશે. સુનાવણી દરમિયાન કોર્ટે એ વાત તરફ ધ્યાન દોર્યું હતું કે, ભારતમાં રાજકારણનું અપરાધીકરણ વધુ ઝડપથી થઈ રહ્યું છે.