કોલસા કૌભાંડ: ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા દોષી સાબિત થયા, કાલે સજાનું એલાન

નવી દિલ્હી- કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડા દોષી સાબિત થયા છે. મધુ કોડા પર અપરાધનું ષડયંત્ર રચવાનો, છેતરપિંડીનો અને પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ છે.

દિલ્હીની સ્પેશિયલ CBI અદાલતે ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા, પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તા, ઝારખંડના પૂર્વ મુખ્ય સચિવ અશોક કુમાર બસુ અને અન્ય એક શખ્શ સામે અપરાધનું ષડયંત્ર રચવા ઉપરાંત સેક્શન 120 બી, 420 અને કલમ 409 અંતર્ગત ઉપરોક્ત તમામને દોષી ઠેરવ્યા છે. આ આરોપીઓને ગુરુવારે સજાનું એલાન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મધુ કોડાને આ અગાઉ પણ ચૂંટણી પંચે ફટકાર લગાવી હતી. ચૂંટણી ખર્ચનો યોગ્ય હિસાબ નહીં આપવાના કેસમાં મધુ કોડા સામે કાર્યવાહી કરતા તેને ત્રણ વર્ષ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. મધુ કોડા વર્ષ 2006માં ઝારખંડના મુખ્યપ્રધાન બન્યા હતાં. તેમણે રાજકીય સફરની શરુઆત ઓલ ઈન્ડિયા ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયનના કાર્યકર્તા તરીકે કરી હતી.

આ પહેલા બાબૂલાલ મરાંડીની સરકારમાં મધુ કોડાને પંચાયતી રાજના પ્રધાનનું પદ સોંપવામાં આવ્યું હતું. વર્ષ 2005ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ કોડાને ટિકિટ નહીં આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.