નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હોટેલ, રેસ્ટોરાં, મોલ અને ધાર્મિક સ્થળો અને ઓફિસોને લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે. લોકડાઉન ખતમ થયા પછી સરકારે પહેલી જૂનથી અનલોક-1ની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રાલયે કોરોના સંક્રમણથી બચવા માટે આ બધા માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આઠ જૂનથી રેસ્ટોરાં અને મોલ્સને વિશેષ સાવધાનીનું પાલન કરવા સાથે નવી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. દેશમાં કોરોના કેસોની સંખ્યા બે લાખને પાર પહોંચી છે.
મોલ માટે અલગ ગાઇડલાઇન્સ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગાઇડલાઇન્સ કંઈક આવી છે, જે સામાન્ય રીતે દરેક જગ્યાએ પાલન કરવાની છે. મોલ માટે અલગ ગાઇડલાઇન્સ જારી થઈ છે. નવી માર્ગદર્શિકા મુજબ મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે છ ફૂટનું અંતર જરૂર છે. આ સિવાય મોલમાં દરેક જણે માસ્ક લગાવવો જરૂર હશે. થૂંકવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. આ સિવાય બધા મોલને અન્ય બધી જરૂરી ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
મોલના ગેટ પર સેનિટાઇઝર રાખવું જરૂરી હશે. એની સાથે-સાથે એન્ટ્રી દરમ્યાન થર્મલ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા કરવી પડશે. આ સિવાય કોરોનાનાં લક્ષણો વગરનાં ગ્રાહકો મોલમાં પ્રવેશી શકશે. આ સિવાય માસ્ક લગાવીને આવનારા લોકોને જ મોલમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે મોલમાં પર્યાપ્ત સંખ્યામાં કર્મચારીઓ તહેનાત કરવાના રહેશે.
હોટેલ-રેસ્ટોરાં માટે ગાઇડલાઇન્સ
રેસ્ટોરાં સ્ટાફે ગ્લવ્ઝ અને માસ્ક પહેરવા ફરજિયાત છે. કન્ટેનમેન્ટ ઝોનમાં હોટલ અને રેસ્ટોરાં ખોલવાની મંજૂરી નથી. સ્ટાફ અને ગેસ્ટે આપસમાં સંપર્કમાં આવવાથી બચવાનું રહેશે. આ ઉપરાંત રેસ્ટોરાંમાં થોડી-થોડી વારે હાથ ધોતા રહેવાની સલાહ આ દિશા-નિર્દેશોમાં આપવામાં આવી છે. આ સિવાય બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સિનિયર સિટિઝનોને રેસ્ટોરાંમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. હોટેલ-રેસ્ટોરાંનું મેન્યુ ડિસ્પોઝેબલ હોવું જોઈએ. બેઠક દરમ્યાન બે સીટો વચ્ચે પર્યાપ્ત અંત રાખવાની સલાહ આપવામાં આવી છે.
ધાર્મિક સ્થળો માટેના દિશા-નિર્દેશો
આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં ધાર્મિક સ્થળો જનતા માટે બંધ રહેશે, પણ બિન કન્ટેનમેન્ટ ઝોનની બહારના ધાર્મિક સ્થળ ખોલી શકાશે. ધાર્મિક સ્થળોમાં 65 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનો અને 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને મનાઈ ફરમાવવામાં આવી છે. ધાર્મિક સ્થળોએ સમૂહમાં ગીત ગાવાની મંજૂરી નથી. એના બદલે રેકોર્ડેડ ભજન વગાડી શકાય.
ધાર્મિક સ્થળોએ પ્રતિમાઓ અને પવિત્ર પુસ્તકોને ટચ કરવાથી બચવાની સલાહ છે. વળી, પ્રવેશ માટે લાગેલી લાઇનમાં કમસે કમ છ ફૂટની દૂરી રાખવી જરૂરી છે. મૂર્તિઓને ટચ કરવાની મંજૂરી નહીં. જોકે સામૂહિક પ્રાર્થના કરવાથી બચી શકા. પ્રસાદ વહેંચવા પર અને પવિત્ર જળના છંટકાવ પર પ્રતિબંધ છે. ધાર્મિક સ્થળોને વારંવાર સેનિટાઇઝ કરવાનું રહેશે. ધાર્મિક સ્થળોમાં થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે અને માસ્ક પહેરવો અનિવાર્ય છે. આ સાથે બધાને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની અને એના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.