સોનુ સૂદ ‘ભાજપનો એજન્ટ’ હોવાનો કોંગ્રેસ પાર્ટીનો આરોપ

નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા સોનુ સૂદ કોરોના-લોકડાઉનના દિવસોમાં મજૂરોની મદદ માટે આગળ આવ્યો છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેને સોનુ સૂદનું આ ભલાઈનું કામ ગમ્યું નથી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સોનુ સૂદનો વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે સોનુ સૂદના આ કામને એક પ્રકારનું ષડયંત્ર બતાવી રહ્યાં છે. સોનુ સૂદ હવે કોંગ્રેસના નિશાના પર છે. તેમનું કહેવું છે કે, મહારાષ્ટ્ર સરકારની અસફળતા દેખાડતો સોનુ સૂદ BJPના ઈશારા પર કામ કરી રહ્યો છે.

ગઈ 30 મેના રોજ સોનુ સૂદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યો હતો. ત્યાર પછી તે કોંગ્રેસના નિશાના પર આવી ગયો છે.

સોનુ સૂદ પર કોંગ્રેસના સમર્થકોએ શાબ્દિક હુમલો કર્યો હતો. તેઓએ સોનુ સૂદને બીજેપીનો એજન્ટ ગણાવ્યો છે. એમનું કહેવું છે કે, સોનુ સારું કામ કરી રહ્યો છે, કારણ કે રાજ્યમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકારને ખોટા બતાવી શકાય.

મહત્વનું છે કે, મહામારીને કારણે લાખો લોકો મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ફસાઈ ગયા હતા. આ લોકોની મદદ માટે અભિનેતા સોનુ સૂદ આગળ આવ્યો અને આકરા તાપમાં પગપાળા વતન પરત ફરતા મજૂરો માટે સોનુએ અનેક બસની વ્યવસ્થા કરી હતી. હવે આ પ્રવાસીઓ માટે સોનુ સૂદ સુપરહીરો બની ગયો છે. સોશિયલ મીડિયા પર તેને મજૂરોના મસીહા તરીકે ઓળખ મળી છે. એટલું જ નહીં સોનુએ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.