નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાનો લાભ ઉઠાવવા માટે ભારત પોતાના ભૂગર્ભ ફંડાર ભરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે એની ઇમર્જન્સી જરૂરિયાતોને પહોંચી વળવા માટે 53.3 લાખ ટન ભંડાર તૈયાર કર્યો છે. કર્ણાટકના મેગલુરુ અને પાડુર તથા આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનેલા આ અનામત ભંડારથી ઇમર્જન્સી સ્થિતિમાં 10 દિવસ સુધી જરૂરિયાતોને પૂરી કરી શકાય છે. આ અનામત ભંડારનો ભરવા માટે ભારતે સાઉદી અરેબિયા અને યુએઈથી આયાતમાં વધારો કર્યો છે.
ક્રૂડની કિંમતોમાં 60 ટકાનો ઘટાડો
આ મામલા સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું હતું કે મેંગલુરુ અને પાડુરના અનામત ભંડાર અડધા ખાલી છે, જ્યારે વિશાખાપટ્ટનમવાળા અનામતમાં પણ થોડી જગ્યા ખાલી છે. જેથી સાઉદી અરેબિયા, યુએઈ અને ઇરાકથી ઓઇલ ખરીદીને એમને ભરવામાં આવશે. કોરોના કકારણે ઊભી થયેલી સ્થિતિને લીધે ઓઇલની માગ ઓછી હોવાને કારણે અને ઓપેક તેલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન કાપ મૂકવામાં ના આવતાં જાન્યુઆરીથી અત્યાર સુધી ઓઇલની કિંમતોમાં 60 ટકા સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે.
હાલના સમયે ક્રૂડ ઓઇલની કિંમતો 30 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. પેટ્રોલિયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પાછલા દિવસોમાં સાઉદી અરેબિયા અને યુએઈમાં તેમના સમકક્ષ નેતાઓ સાથે વાતચીત કરીને ક્રૂડ ભંડાર વધારવા પર ચર્ચા કરી હતી.
ભારત ઇમર્જન્સી સ્થિતિમાં વિદેશી કંપનીનું ક્રૂડનો ઉપયોગ કરી શકશે
ભારતે અનામત અને કિંમતોમાં મોટા ફેરફારની સ્થિતિમાંથી બચવા માટે સુરક્ષિત રહેવા માટે ભૂગર્ભ સ્ટોરેજ તૈયાર કર્યો છે. ભારતે વિદેશી કંપનીઓને પણ આ શરતોએ ક્રૂડ ઓઇલ રાખવા માટે મંજૂરી આપી છે, કે કોઈ પણ ઇમર્જન્સી સ્થિતિમાં ભારત એ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરી શકશે. આ શરતે અભુ ધાબી નેશનલ ઓઇલ કંપની (એડનોક)એ મેંગલોરના સ્ટોરેજમાં 15 લાખ ટનની જગ્યા ભાડે લીધી છે.
સરકારી ઓઇલ કંપનીઓને ઓઇલનું સ્ટોરેજ કરવા નિર્દેશ
કર્ણાટકના પાડુર સૌથી મોટું સ્ટોરેજ છે, જેની કુલ ક્ષમતા 25 લાખ ટન (આશરે 1.7 કરોડ બેરલ) છે. આમાં અડધા સ્ટોરેજને સરકાર ભરી પણ ચૂકી છે. બાકીની અડધી જગ્યા ભરવા માટે સાઉદી અરેબિયાથી ઓઇલ લેવા માટે મંત્રણા કરી રહ્યું છે. સરકારે આઇઓસી, BPCL અને HPCLને આ ત્રણ ખાડી દેશોથી ઓઇલ ખરીદવા અને આ સ્ટોરેજને ભરવા માટે નિર્દેશ કર્યો છે.
કેન્દ્રએ રૂ. 700 કરોડનું ફંડ ફાળવ્યું, રૂ. 2,000 કરોડની આવશ્યકતા
હાલ નાણાં મંત્રાલયે આ માટે રૂ. 700 કરોડનું ફંડ ફાળવ્યું છે. મંગલુરુ, પાડુર અને વિશાખાપટ્ટનમના સ્ટોરેજને ભરવા માટે 1.5 કરોડ ઓઇલની જરૂર છે અને આ માટે કમસે કમ રૂ. 2,000 કરોડની જરૂર છે.