આરોગ્ય કર્મીઓ પર હુમલો કર્યો તો જેલમાં ગયા સમજજો

નવી દિલ્હીઃ દેશભરમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલાના વધતા કેસોને ધ્યાનમાં લઈને કેન્દ્રએ હુમલાખોરો માટે કડક સજાનું એલાન કર્યું છે. સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતાં IMAના અધ્યક્ષે આભાર વ્યક્ત કર્યો છે. માહિતી અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગંભીર હુમલાના મામલે હુમલાખોરોને છ મહિનાથી સાત વર્ષ સુધીની કેદની સજા અને એકથી પાંચ લાખ રૂપિયાને દંડ ફટકારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ રોગચાળાથી દેશને બચાવવા માટે જાતને જોખમમાં મૂકતા આરોગ્યના કર્મચારીઓ સખત મહેનત કરી રહ્યા છે. તેમની પર આ પ્રકારનો હુમલો કરવો એ ઘણી દુખદ બાબત છે.  

આરોગ્ય કર્મચારીઓ પર હુમલો અસહનીય

તેમણે કહ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ પર કોઈ પ્રકારનો હુમલો અથવા શોષણની ઘટના નિંદનીય છે. આના માટે એક વટહુકમ લાવવામાં આવ્યો છે, જે રાષ્ટ્રપતિની મંજૂરી પછી લાગુ કરવામાં આવશે. આ મહામારી રોગ વટહુકમ 1897માં સંશોધનની સાથે વટહુકમ લાગુ કરવામાં આવશે.

ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલાને સાંખી નહીં લેવાય

જાવડેકરે વધુમાં કહ્યું હતું કે ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલાને સાંખી નહીં લેવામાં આવે. એ બિનજમાનતી ગુણો ગણાશે. આરોગ્ય કર્મચારીઓની ગાડી અથવા ક્લિનિક પર હુમલો થયો તો હુમલાખોરોએ નુકસાન બે ગણું આપવું પડશે. આ લોકોને રૂ. 50,000થી રૂ. બે લાખ સુધીનું વળતર આપવું પડશે. આ સિવાય તેમણે આરોગ્ય કર્મચારીઓ માટે રૂ. 50 લાખના વીમાટ માટેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓનું ધ્યાન રાખશે. રૂ. 1.88 કરોડની PPEનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

દેશમાં મેડિકલ ટીમો પર હુમલો

દેશમાં મુરાદાબાદ, ઇન્દોર અને બિહારના ઔરંગાબાદ જિલ્લામાં મેડિકલ ટીમો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુપીના મુરાદાબાદમાં એમ્બ્યુલન્સમાં તોડફોડની સાથે આરોગ્ય કર્મચારી પર પથ્થરમારો કરવામાં આવ્યા હતા, આ મામલામાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઇન્દોરમાં 18 એપ્રિલે આરોગ્ય કર્મચારીઓની ટીમ પર હુમલો થયો હતો, જેમાં ડોક્ટર, ટીસર, પેરામેડિકલ અને આશા કાર્યકર્તાઓ સામેલ હતા. આ ઉપરાંત બિહારની ઔરંગાબાદ જિલ્લાના ગોહ થાણા ક્ષેત્ર અંતર્ગત મેડિકલ ટીમ પર ગ્રામીણોએ હુમલો કર્યો હતો, જેમાં 10 કર્મચારીઓ ઈજા પામ્યા હતા.