નવી દિલ્હીઃ રેસ્ટોરન્ટ-હોટેલ્સમાં ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરવાના મામલે રેસ્ટોરન્ટ-માલિકો અને સરકાર વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો છે, કારણ કે રેસ્ટોરન્ટ માલિકોના રાષ્ટ્રીય સંગઠન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ કહ્યું છે કે સરકારે હાલમાં જ બહાર પાડેલી નવી ગાઈડલાઈન્સને કાનૂની ટેકો નથી અને તેનાથી ગ્રાહકોમાં બિનજરૂરી ગૂંચવણ જ પેદા થઈ છે. આને પગલે હોટેલ અને રેસ્ટોરન્ટનાો સરળ ચાલતો વ્યાપાર ખોરવાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રના ગ્રાહકોની બાબતોના મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) વિભાગે બહાર પાડેલી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકોએ સર્વિસ ચાર્જ વસૂલ કરીને ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન કરવું નહીં અને અયોગ્ય વ્યાપાર પ્રવૃત્તિઓ કરવી નહીં. વિભાગે એમ પણ જણાવ્યું છે કે ગ્રાહકો હોટેલ-રેસ્ટોરન્ટમાલિકોની આવી પ્રવૃત્તિ વિરુદ્ધ નેશનલ કન્ઝ્યૂમર હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી શકે છે.
દેશમાં પાંચ લાખથી વધારે રેસ્ટોરન્ટ માલિકોનું પ્રતિનિધિત્વ કરતી NRAI સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું છે કે નવી ગાઈડલાઈન્સ બહાર પાડીને સરકારી વિભાગે રેસ્ટોરન્ટ ઉદ્યોગ સામે એક ઝુંબેશ ઉપાડવાનો પ્રયાસ કર્યો છે. તેની આ ગાઈડલાઈન્સને કોઈ કાનૂની આધાર નથી. સર્વિસ ચાર્જ અંગે સરકાર કોઈ ફેરફાર કરી શકે નહીં. એ માટે સરકારે કોઈ નવો કાયદો ઘડવો પડે અથવા હાલના કાયદામાં કોઈ સુધારો લાવવો પડે.