પટનાઃ ચારા કૌભાંડ મામલે જમાનત પર બહાર આવેલા બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમની સાથે-સાથે તેમની પુત્રી પણ CBIની ચપેટમાં આવી ગઈ છે. CBIએ લાલુ પ્રસાદ રેલવેપ્રધાન હતા, ત્યારે તેમણે અને તેમની પુત્રીની સામે તેમના કાર્યકાળ દરમ્યાન 2004-2009 દરમ્યાન ભરતીઓમાં અનિયમિતતા માટે નવેસરથી કેસ નોંધ્યો છે. ભ્રષ્ટાચારના આ મામલે કાર્યવાહી કરતાં CBIની ટીમે પટના સ્થિત લાલુના નિવાસ્થાન, તેમની પુત્રી અને રાજ્યસભાની MP મિસા ભારતી સહિત તેમનાં 15 અલગ-અલગ જગ્યાએ દરોડા કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કૌભાંડ ત્યારનું છે, જ્યારે લાલુપ્રસાદ યાદવ UPA સરકારમાં રેલવેપ્રધાન હતા.
આ નવા કેસમાં CBIએ આરોપ મૂક્યો હતો કે યાદવે અને તેમના પરિવારના સભ્યોએ રેલવેની નોકરી આપવામાં લાંચ સ્વરૂપે જમીન અને સંપત્તિ પ્રાપ્ત કરી હતી.73 વર્ષીય ચારા કૌભાંડના ડોરંડા ટ્રેઝરી કૌભાંડના રૂ. 139 કરોડના કેસમાં ઝારખંડ હાઇકોર્ટે ગયા મહિને 22 એપ્રિલે જમાનત આપી હતી. જોકે CBI સ્પેશિયલ કોર્ટે ફેબ્રુઆરીમાં એ કેસમાં પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી, તેમના રૂ. 60 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ટ્રેઝરી કૌભાંડ કેસ એ પાંચમું ચારા કૌભાંડ હતું, જેમાં યાદવને દોષી ગણવામાં આવ્યા હતા.
RJDના વરિષ્ઠ નેતા આલોક મહેતાએ કહ્યું હતું કે આ વિપક્ષને ખતમ કરવાના પ્રયાસ છે, આ મામલામાં કોઈ આધાર નથી. એ ટીકા-ટિપ્પણને ચૂપ કરાવવાનો પ્રયાસ છે.