ગુજરાત-ચૂંટણીમાં કોંગ્રેસની કારમી-હાર થશે: પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ઉદયપુરમાં હાલમાં યોજેલી ચિંતન શિબિરમાંથી કંઈ પણ અર્થપૂર્ણ હાંસલ કર્યું નથી. કિશોરે એવી ભવિષ્યવાણી કરી છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનો કારમો પરાજય થશે.

કોંગ્રેસમાં જોડાવાની ઓફરને કિશોરે તાજેતરમાં જ નકારી કાઢી હતી. એમણે એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે ઉદયપુરમાંની ચિંતન શિબિર માત્ર કોંગ્રેસની હાલની સ્થિતિને લંબાવશે. મારા મતે ચિંતન શિબિરમાંથી પાર્ટીએ કંઈ અર્થપૂર્ણ હાંસલ કર્યું નથી. એનાથી માત્ર પાર્ટીની યથાસ્થિતિ લંબાશે અને ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાંની ચૂંટણીમાં પાર્ટીનો પરાજય થાય ત્યાં સુધી કોંગ્રેસની નેતાગીરીને વિચારવાનો થોડોક સમય આપશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશ, બંને રાજ્યમાં આ વર્ષના અંત ભાગમાં નવી વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. બંને રાજ્યમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.