નવી દિલ્હીઃ બંધારણનો ઉદ્દેશ સામાજિક પરિવર્તનની ભાવના લાવવાનો છે અને એ કહેવું ખતરનાક હશે કે કોઈ વ્યક્તિની ખાનગી સંપત્તિને સમાજ કે ભોતિક સંસાધનોના રૂપે ના માની શકાય અથવા જાહેર ભલાઈ માટે રાજ્ય દ્વારા એના પર કબજો ના કરી શકાય, એમ સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું.
આ ટિપ્પણની મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી નવ જજોની ખંડપીઠ દ્વારા કરવામાં આવી છે. કોર્ટમાં મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશન સહિત અન્ય પક્ષકારોએ દલીલ કરી છે કે બંધારણની યોજનાને નામે રાજ્યના અધિકારી દ્વારા ખાનગી મિલકત પર કબજો ના કરી શકાય. એસોસિયેશનનું કહેવું છે કે અનુચ્છેદ-39 B અને 31 Cની બંધારણીય યોજનાઓ હેઠળ સંપત્તિ પર કબજો ના કરી શકાય.
ખંડપીઠ જટિલ કાનૂની સવાલ પર વિચાર કરી રહી છે કે શું ખાનગી સંપત્તિઓને બંધારણના અનુચ્છેદ (B) હેઠળ સમુદાય કે ભૌતિક સંસાધન માની શકાય, જે રાજ્ય નીતિના સિદ્ધાંતો (DPSP)નો હિસ્સો છે.
ખંડપીઠે કહ્યું હતું કે બંધારણનો ઉદ્દેશ સામાજિક પરિવર્તન લાવવાનો હતો અને સંપત્તિ ખાનગી રીતે રાખ્યા પછી અનુચ્છેદ 39 (B)નો ઉપયોગ ના થઈ શકે, એમ અમે નથી કહેતા. એમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ જર્જરિત ઇમારતોને પોતાના કબજામાં લેવાનો અધિકાર મહારાષ્ટ્રમાં કાયદેસર છે કે નહીં,- એ સંપૂર્ણપણે અલગ મુદ્દો છે અને એનો નિર્ણય સ્વતંત્ર રીતે કરવામાં આવવો જોઈએ.