લોકસભા ચૂંટણીઃ ભાજપ, કોંગ્રેસે કાયદાનું કર્યું ઉલ્લંઘન

નવી દિલ્હીઃ ચૂંટણીમાં ડિજિટલ વર્લ્ડની ભૂમિકા અસરકારક થઈ રહી છે. હવે વાદવિવાદ સોશિયલ મિડિયાના ઉપયોગ અને દુરુપયોગથી આગળ નીકળી ચૂકી છે. હવે સોશિયલ મિડિયા પર ઓળખ છુપાવીને ખોટી માહિતી ફેલાવવા સુધી સીમિત નથી, પણ હવે મોટા-મોટા રાજકીય પક્ષ આયોજનબદ્ધ રીતે ડિજિટલ પ્લેટફોર્મોનો ઉપયોગ કરીને આચારસંહિતાનો છડેચોક ભંગ કરી રહ્યા છે.

મતદાન શરૂ થવાના 38 કલાક (સાયલન્સ પિરિયડ) પહેલાં ચૂંટણીપ્રચાર બંધ થઈ જાય છે. આ સમયગાળામાં ટેલિવિઝન કે આ પ્રકારના કોઈ પણ ઉપકરણના માધ્યમથી ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ લાગે છે.

ચૂંટણી પંચે વિવિધ નોટિફિકેશનોમાં સ્પષ્ટ કર્યું છે કે કલમ 126 સોશિયલ મિડિયા પર પણ લાગુ છે, પરંતુ રાજકીય પક્ષો ચૂંટણી પંચના નોટિફિકેશનને સતત ઠેંગો બતાવી રહ્યા છે. સાયલન્સ પિરિયડ દરમ્યાન રાજકીય પ્રચાર અટકાવવાવાળા સ્પષ્ટ નિયમો છતાં પાર્ટીઓ આ દરમ્યાન સોશિયલ મિડિયા પર જાહેરાત કરીને મબલક પૈસા ખર્ચી રહી છે.

એક અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે પહેલા તબક્કાના મતદાન પહેલાંના સાયલન્સ પિરિયડમાં ભાજપે 64 ટકા જાહેરાતો અને કોંગ્રેસે 32 ટકા જાહેરાત પોસ્ટ કરી હતી. આ ઉપરાંત ભાજપે 17-19 એપ્રિલ, 2024ની વચ્ચે ગૂગલ પર 60,500 જાહેરાત અને મેટા પ્લેટફોર્મ પર 6808 જાહેરાત પોસ્ટ કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ આ સમયગાળામાં 1882 અને 114 જાહેરાત પોસ્ટ કરી હતી. ભાજપ અને કોંગ્રેસે આ જાહેરાતો માટે રૂ. 1-1 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાવાળા ભાજપની 64 જાહેરાતોમાંથી 27 ઉત્તર પ્રદેશ માટે હતી, જ્યારે કોંગ્રેસનું ફોકસ મણિપુર હતું.