નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે બીજા દિવસે પણ બે જૂથ વચ્ચે હિંસક પ્રદર્શન થયા હતા. મોજપુર પછી ભજનપુરામાં પણ હિંસા થઈ. આ દરમ્યાન પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગ લગાવી હતી. પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા. હિંસામાં ગોકલપુરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થઈ ગયું છે. જ્યારે શહાદરાના ડીસીપી અમિત શર્મા ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની ગાડીને પણ આગ લગાવી દેવામાં આવી છે. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે જાફરાબાદ, મૌજપુર સહિત આસપાસના વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી સામ-સામે આવી ગયા હતા. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓમાં આગ લગાવી હતી. મૌજપુરમાં એક ગોડાઉનમાં પણ આગ લગાવવામાં આવી હતી. જ્યારે ભજનપુરામાં એક પેટ્રોલ પંપને પણ આગ લગાવાવમાં આવી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે. જ્યારે ડીએમઆરસીએ મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કરાવ્યા છે. આ વિસ્તારો મુસ્લિમ બહુમતી ધરાવાતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, ભાજપના નેતા કપિલ મિશ્રાએ એક સભા બોલાવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે પોલીસ ત્રણ દિવસની અંદર સીએએ વિરોધી પ્રદર્શનકારીઓને હટાવે. જેના થોડા સમય પછી જ બે જૂથોના સભ્યો એક બીજા પર પથ્થરમારો કરવા લાગ્યા જેને પગલે પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.
તમામ ઘટનાક્રમ વચ્ચે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ આજે ટ્વીટ કરીને જણાવ્યું કે, જાફરાબાદ અને મોઝપુર-બાબરપુર મેટ્રો સ્ટેશનના નિકાસ અને પ્રવેશ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર મેટ્રો નહીં ઉભી રહે. ડીએમઆરસીએ ગેટ ક્યારે ખોલવામાં આવશે એ અંગે કોઈ જાણકારી નથી આપી