મેલેનિયાની મુલાકાત: કેજરીવાલની ગેરહાજરી અંગે યુએસ દૂતાવાસનો જવાબ

નવી દિલ્હી: અમેરિકન દૂતાવાસે રવિવારે કહ્યું કે, દિલ્હીની સરકારી શાળામાં અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પના પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીને લઈને અમને કોઈ વાંધો નથી. તેમજ દૂતાવાસે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી તે બાબત સમજવા માટે પણ તેમના વખાણ કર્યા.

દિલ્હી સરકારના સૂત્રોએ શનિવારના રોજ જણાવ્યું હતું કે મેલેનિયા ટ્રમ્પના મંગળવારના રોજ દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાતના કાર્યક્રમમાં મહેનોની યાદીમાંથી કેજરીવાલ અને સિસોદિયાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ‘મેલેનિયા ટ્રમ્પની સરકારી સ્કૂલની મુલાકાતના કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની હાજરીથી અમેરિકન એમ્બસીને કોઈ જ તકલીફ નથી.’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનિયાનો ‘હેપ્પીનેસ ક્લાસ’ જોવા માટે સ્કૂલ જવાનો અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ‘આયોજન માટે આમંત્રિત લોકોની યાદીમાંથી કેજરીવાલ અને સિસોદિયાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. અમને હજી સુધી એ અંગે કોઈ પણ જાણ નથી કરવામાં આવી કે મેલેનિયા ટ્રમ્પ સ્કૂલની મુલાકાતે આવશે તો તેમનું સ્વાગત કોણ કરશે?’

આ અગાઉ મેલેનિયા ટ્રમ્પની મુલાકાત પર સિસોદિયાએ કહ્યું હતું કે, ‘અમારી પાસે તેમની રિક્વેસ્ટ આવી હતી તેથી અમે તેમને કહ્યું હતું કે જો તેઓ આવવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. કેટલીક સ્કૂલોમાં તેમના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ તેમની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને તે સ્કૂલો કઈ છે તે અંગે હું કોઈ જાણકારી આપી શકીશ નહીં.’

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે જુલાઈ 2018માં સ્કુલોમાં હેપ્પીનેસ ક્લાસીસની શરુઆત કરી હતી. અભ્યાસક્રમ હેઠળ દિલ્હી સરકારની શાળાઓમાં પહેલા ધોરણથી આઠમાં ધોરણ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરરોજ 45 મિનિટ હેપ્પીનેસ ક્લાસમાં પસાર કરવાનો હોય છે. અહીં આ વિદ્યાર્થીઓ કથા-સ્ટોરી, ધ્યાન અને સવાલ-જવાબ સત્રમાં ભાગ લે છે. એ જ રીતે નર્સરી અને કેજીના વિદ્યાર્થીઓ માટે સપ્તાહમાં બે વખત હેપ્પીનેસ ક્લાસનું આયોજન કરવામાં આવે છે.