BSFએ જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

સાંબાઃ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSFએ) બુધવારે મોડી રાત્રે એક સંદિગ્ધ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના સાંબા ક્ષેત્રમાં મંગુ ચક સીમા ચોકી (BOP)ની પાસે રાત્રે 2.50 કલાકે બની હતી.

BSFના પ્રવક્તાએ કહ્યું હતું કે જવાનોને સાંબા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા બોર્ડર પાર કરીને એક વ્યક્તિની સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી હતી. દળોએ એ વ્યક્તિને અટકાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે સરહદની વાડ તરફ વધી રહી હતી. ત્યાર બાદ સૈનિકોએ ગોળીઓ ચલાવી હતી, જેમાં તેનું મોત થયું હતું. ત્યાર બાદ BSFએ સાંબા વિસ્તારમાં બોર્ડર પર તપાસ ઝુંબેશ શરૂ કરી હતી. જમ્મુ સંભાગમાં છેલ્લા બે દિવસમાં ભારત-પાકિસ્તાન સરહદે આ પ્રકારની આ બીજી ઘટના બની હતી.

સેનાએ પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા LOC) પર ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને હથિયાર અને કેફી પદાર્થોની દાણચોરીના પ્રયાસ નિષ્ફળ બનાવ્યા હતા. સંરક્ષણ વિભાગેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને બોર્ડર પર લાગેલી વાડની પાસે અથડામણ પછી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયાર અને માદક પદાર્થોની મોટી ખેપ જપ્ત કરવામાં આવી હતી.