નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે સંબંધો સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ એવું લાગે છે કે, ચીન સાથેના સંબંધોને લઈને પાર્ટીનો અભિપ્રાય અલગ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને તાલીમ આપવા માટે જે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે તેમાં ચીનને ભારત માટે ખતરા તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ અંગે ચીનના રાજદૂતે પણ તેની પ્રતિક્રિયા આપી છે.ચીનના રાજદૂતે જણાવ્યું હતું કે, ‘ચીન કોઈપણ દેશ માટે ખતરો નથી’. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન તેમના સરહદ વિવાદના બાકી મુદ્દાઓ ઉકેલવા માટે સતત કામ કરી રહ્યાં છે. પીએમ મોદી તેમના કાર્યકાળ દરમિયાન ત્રણવાર ચીનનો પ્રવાસ કરી ચુક્યાં છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદી 42 દિવસમાં બીજીવાર ચીનની મુલાકાતે ગયા હતા.
એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પ્રશિક્ષણ આપનારી માર્ગદર્શિકામાં ચીનને ભારત અને ભારતીય હિત માટે ખતરો ગણાવવામાં આવ્યું છે. અને જણાવવામાં આવ્યું છે કે, ચીન કોઈ પણ પ્રકારના સમાધાન માટે તૈયાર નથી.
ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાલ ઉપાધ્યાય તાલીમ ઝુંબેશ 2018 અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓને તાલીમ આપવા માટે આ સામગ્રી તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકાને ગત 13 જૂનના રોજ પીર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવી છે. જેમાં ‘રાષ્ટ્ર સમક્ષ પડકારો’ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે, ‘ચીન અને પાકિસ્તાન બન્ને પાસે પરમાણુ હથિયાર છે અને ભારતને મહાસત્તા બનતું રોકવા માટે બન્ને દેશોએ ગાઢ રાજદ્વારી સંબંધો બનાવ્યા છે’.
માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, ‘પાડોશી દેશ તરફથી ભારતને મળનારા પડકારો ઘણા મોટા છે. ખાસ કરીને ચીન વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારત માટે મોટો પડકાર છે. અને પાકિસ્તાન સતત આપણી એકતા અને અર્થતંત્રને નિશાન બનાવી રહ્યું છે’. લાંબા સમયથી ચાલી રહેલા સરહદના વિવાદનું સમાધાન લાવવા ભારત અને ચીન સતત પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ ભાજપની તાલીમ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, ‘ચીન સમાધાનના પક્ષમાં નથી’ અને સરહદ વિવાદનું કોઈ નક્કર પરિણામ નથી લાવી રહ્યું.