ભાજપ કે કોંગ્રેસઃ રાજ્ય પર પડશે રૂ. 50,000 કરોડનાં વચનોનો બોજ

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવાની લાયમાં મતદારોને રીઝવવા માટે મફત સુવિધા આપવાની હોડમાં લાગેલી છે. ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં ગયા સપ્તાહે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ એક સભાને સંબોધતાં એક કરોડ સ્કૂલના બાળકો માટે માસિક સહાયતાની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યના સંભવિત વાર્ષિક મફત બિલમાં રૂ. 10,000 કરોડથી વધુનો વધારો કર્યો છે. જેથી કોંગ્રેસનાં વિવિધ ચૂંટણી વચનોનું મૂલ્ય રૂ. 50,000 કરોડથી વધુ થયું છે. ત્રીજી ડિસેમ્બરે મધ્ય પ્રદેશમાં જે પણ જીતશે રાજ્ય પર ચૂંટણી વચનોને પૂરાં કરવા માટે રૂ. 50,000 કરોડનો બોજ પડશે.

મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવા પર કોંગ્રેસ 100 યુનિટ સુધી મફત અને 100 યુનિટ સુધી અડધી કિંમતે વીજ દેવાની, રાજ્યની મહિલાઓ માટે રૂ. 1500નું માસિક ભથ્થું, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની વાપસી અને સસ્તા ગેસ સિલિન્ડરનું વચન આપવાનાં વચનો આપ્યાં છે.

મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તા જાળવશે તો સ્થિતિમાં કંઈ બહુ ફેર નહીં પડે. શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપે મધ્ય પ્રદેશમાં પણ મફત સુવિધાઓ શરૂ કરી છે, જેનો આંકડો રૂ. 50,000 કરોડથી વધુનો છે. સૌથી મોટી યોજના CM લાડલી બહેના યોજના છે, જેમાં અત્યાર સુધી 1.32 કરોડ મહિલાઓને રૂ. 1250 મહિનાદીઠના હિસાબે રૂ. 1650 કરોડ પ્રતિ મહિને આશરે રૂ. 20,000 કરોડ પ્રતિ વર્ષ ચુકવણી કરવામાં આવે છે.

મુખ્ય પ્રધાને આ રકમને રૂ. 3000 પ્રતિ મહિને લઈ જવાનું વચન આપ્યું છે. આમ આ યોજના પર રૂ. 47,000 કરોડ પ્રતિ વર્ષ ખર્ચ થવાની વકી છે.