‘રેપ ઈન ઈન્ડિયા’ વાળા રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સંસદમાં હંગામો

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘રેપ ઈન ઈન્ડિયા’ નિવેદન પર શુક્રવારે લોકસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની સહિતની બીજેપી મહિલા સાંસદોએ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું અને રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરી. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, રાહુલ ગાંધી બળાત્કારને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. શું તે ઈચ્છે છે કે, મહિલાઓની સાથે બળાત્કાર થાય? આ દરમ્યાન ભાજપની તમામ મહિલા સાંસદ લોકસભામાં પોતાની જગ્યા પર ઉભી થઈ ગઈ અને ‘રાહુલ ગાંધી માફી માગો’ના નારા લગાવ્યા.

મહત્વનું છે કે, ઝારખંડના ગોડ્ડામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીને સંબોધન દરમ્યાન કહ્યું હતું કે, વડાપ્રધાને ‘મેક ઈન ઈન્ડિયા’નું સુત્ર આપ્યું હતું પણ આજે તમે જ્યાં નજર કરો ત્યાં ‘રેપ ઈન ઈન્ડિયા’ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના એક ધારાસભ્યએ એક મહિલા સાથે બળાત્કાર કર્યો, અને પછી તે પીડિતા એક દુર્ઘટનાનો શિકાર બની ગઈ પણ નરેન્દ્ર મોદી એક શબ્દ ન બોલ્યા. લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ શુક્રવારે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે જોરદાર હંગામો કર્યો.

કેટલાક સભ્યોએ રાહુલ ગાંધી માફી માગોના નારા લગાવ્યા. આ દરમ્યાન રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ કહ્યું કે, આ સદનના સભ્ય ન હોય તેવા વ્યક્તિનું નામ અહીં ન લઈ શકો. કોઈ પણને સદનની કાર્યવાહી ભંગ કરવાનો અધિકાર નથી.