ચૂંટણીલક્ષી રાજ્યોમાં સત્તાવિરોધી લહેરને ખાળવા ભાજપે કમર કસી

નવી દિલ્હીઃ ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્ય પ્રધાનોની ફેરબદલ કર્યા પછી ભાજપ બધાં ચૂંટણી રાજ્યોમાં સત્તાવિરોધી લહેરને ખાળવા માટે હાલના વિધાનસભ્યોમાંથી કમસે કમ અડધાને દૂર કરવાના પ્રયાસોમાં છે. આ માહિતી પક્ષના કેટલાક પદાધિકારીઓએ આપી હતી. છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓમાં પાર્ટીના હાલના વિધાનસભ્યોમાંથી 15-20 ટકા વિધાનસભ્યોને દૂર કરી દીધા છે.

દેશમાં કેટલાય મુદ્દે જનતામાં અસંતોષ છે. પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે વિધાનસભ્યોનાં છેલ્લાં પાંચ વર્ષો દ્વારા કરવામાં આવેલાં કાર્યોનું એ રિપોર્ટ કાર્ડ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિધાનસભ્યોનો દેખાવ સારો નથી રહ્યો. પાર્ટી જે વિધાનસભ્યોનો દેખાવ સારો નહીં હોય, તેમને દૂર કરશે અને તેમને આગળ નહીં લઈ જાય, એમ પાર્ટીના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું હતું.

વિધાનસભ્યોના દેખાવના મૂલ્યાંકન માટે કેટલાય માપદંડો રાખવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક લોકોના વિકાસ માટે ફંડનો કેવી રીતે ઉપયોગ? નબળા લોકોને સશક્ત બનાવવા કયા-કયા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા અને એમાંથી કેટલા લોકોને લાભ થયો, વિધાનસભ્યોનું યોગદાન શું રહ્યું? વગેરે સામેલ છે. બધા ચૂંટણીના વિસ્તારોમાં સરકારના પ્રદર્શન પર લોકોથી પ્રતિક્રિયા માગવામાં આવી છે.સત્તાવિરોધી લહેરનો મુકાબલો કરવો ભાજપ માટે એક ચિંતાનું મુખ્ય કારણ છે. એટલે જ એ લહેરને ખાળવા માટે કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતમાં રૂપાણી સરકારને બદલવાનો નિર્ણય કર્યો હતો અને રાજ્યમાં પક્ષને ફરી મજબૂત કરવા એક નવા પ્રધાનમંડળને શપથ અપાવડાવ્યા હતા, જે 2022ના અંતમાં ચૂંટણીમાં ભાગ લેશે.