કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં થનારી પંચાયત ચૂંટણીને લઈને રાજ્યમાં હિંસા થઈ રહી છે. આ ચૂંટણીમાં નામાંકન કરવાના છેલ્લા દિવસે હિંસામાં કમસે કમ ત્રણ લોકોનાં મોત થયાં છે અને કેટલાય અન્ય લોકો ઘાયલ થયા છે. આ હિંસાને લઈને દેશમાં બે વિરોધી પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ એક મંચ પર છે અને એ સતત રાજ્ય અને ચૂંટણી પંચને લઈને TMC પર હુમલા કરાવવાનો આરોપ લગાવી રહી છે. ભાજપે આ હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ અને રાજ્યના CM મમતા બેનરજીને દોષી ઠેરવ્યા છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે મમતા બેનરજીની સરકાર અને પોલીસનું વલણ બહુ ખરાબ છે.
બીજી બાજુ, પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ કહ્યું હતું કે લોકો કહી રહ્યા છે કે બંગાળમાં શાંતિ નથી. હું તેમને પૂછવા માગું છું કે CPI (M)ના રાજમાં ક્યાં શાંતિ હતી? કોંગ્રેસ તો અનેક રાજ્યમાં રહી છે. એ સંસદમાં અમારો સહયોગ ઇચ્છે છે. અમે ભાજપની સામે તેનો સાથ દેવા માટે તૈયાર છે, પણ CPI (M) સાથે હાથ મિલાવ્યા પછી તમે બંગાળમાં અમારી સહયોગ માગવા ના આવતા.
તેમણે કહ્યું હતું કે દક્ષિણ 24 પરગણામાં ગઈ કાલ સુધી પંચાયત ચૂંટણીમાં 2.31 લાખ નામાંકન થયા હતા, જેમાં TMCએ 82,000 નામાંકન કર્યાં છે, પણ વિરોધી દળે એકથી દોઢ લાખ નામાંકન કર્યાં છે. TMC કંઇક કરે તો ખરાબ અને ભાજપના મોટા ભાગના લોગ ચોર ને ગુંડા છે.
સામે પક્ષે ભાજપ પ્રવક્તા ડો. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે પંચાયત ચૂંટણીમાં હિંસાનું તાંડવ કષ્ટદાયી છે અને એનાથી પણ દુખદ છે, ત્યાંની સરકારની અસંવેદનશીલતા. અમારા કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે. સરકાર અને પોલીસ જે રીતે વર્તન કરી રહી છે એ ચૂંટણી ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે.