‘બિપરજોય’ 36 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરશેઃ IMD

નવી દિલ્હીઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘બિપરજોય’ વાવાઝોડું આગામી 36 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની તૈયારીમાં છે અને એ આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ વાવાઝોડું ગોવાથી 840 કિલોમીટર અને મુંબઈથી 870 કિલોમીટર દૂર છે. ‘બિપરજોય’ હાલ ગોવા અને મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 36 કલાકમાં આ ચક્રવાત વધુ વિકરાળ બને એવું અનુમાન વ્યક્ત કર્યું છે.

રાજ્ય દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 રાજ્યમાં વાવાઝોડાને લઈને સુરત વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગરમાં આ વાવાઝોડાને પગલે ચાર દિવસ વરસાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલીમાં  બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર સતત સતર્ક છે.

આ વાવાઝોડાનું સ્વરૂપ અને ઝડપ જોતાં NDRF અને SDRFની 11 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યમાં દરિયાની નજીકના વિસ્તારોમાં માછીમારોને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. બંદરો પર પણ ચેતવણી સંકેત લગાવવામાં આવ્યા છે.