‘જે લઠ્ઠો પીશે એ મરશે’: નીતિશકુમાર

પટનાઃ બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર અને મશરખ ગામોમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મરણાંક વધીને 39 થયો છે અને બીજા ઘણા લોકો હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, એમાંના ઘણાની હાલત ગંભીર છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશકુમારે આજે ચેતવણી ઉચ્ચારી છે કે, ‘જે લોકો ઝેરી શરાબ (લઠ્ઠો) પીશે એ મરશે.’ આમ કહીને એમણે રાજ્યમાં પોતાની સરકારે લાગુ કરેલી દારૂબંધી નીતિનો બચાવ કર્યો હતો. એમણે કહ્યું કે દારૂબંધી, ‘એ કંઈ મારી અંગત ઈચ્છાનો નિર્ણય નથી, પણ રાજ્યની મહિલાઓનાં આક્રંદનો પ્રતિસાદ છે.’

બીજી બાજુ, સામાજિક કાર્યકર્તા પ્રશાંત કિશોર અને ભાજપના સુશીલકુમાર મોદીએ નીતિશકુમારના નિવેદનની ટીકા કરી છે. મોદીએ કહ્યું કે, ‘દેશમાં કરોડો લોકો દારૂ પીએ છે, શું એ બધા મરી જવા જોઈએ?’ કિશોરે દારૂબંધી કાયદો રદ કરવાની માગણી કરી છે.