નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝારખંડથી મોટો આંચકો લાગ્યો છે. રાંચીમાં રાહુલ ગાંધીની વિરુદ્ધ કેસ ચાલશે. વર્ષ 2018માં બેંગલુરુમાં રાહુલ ગાંધીએ ભાજપના અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહની વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મામલે MP MLA કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા. આ સમન્સની વિરુદ્ધ ગાંધીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે ગાંધીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ગાંધીની વિરુદ્ધ રાંચીની નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલતી રહેશે.
વર્ષ 2018માં આઠ મેએ કર્ણાટક ચૂંટણીમાં બેંગલુરુમાં એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ અમિત શાહ પર ટિપ્પણી કરી હતી. આ મામલે વિજય મિશ્રા દ્વારા ચોથી ઓગસ્ટ, 2018એ રાહુલ ગાંધીની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. ગાંધીએ કહ્યું હતું કે ભાજપમાં હત્યાના આરોપી અધ્યક્ષ બની શકે છે, પણ કોંગ્રેસમાં નહીં.રાહુલ ગાંધીએ ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ કરવા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 16 ફેબ્રુઆરીએ ગાંધીનો લિખિત પક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે પછી જસ્ટિસ અંબુજ નાથની બેન્ચે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.
ઝારખંડમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ત્રણ કેસ પેન્ડિંગ છે. એક કિસ્સો 2019 ની લોકસભા ચૂંટણીનો છે, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા મોદી ચોર છે. આ મામલામાં રાહુલ ગાંધી વતી ઝારખંડમાં ક્વોશિંગ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી.