કોરોના કાળમાં રેલવેને મોટું નુકસાનઃ ભાડાવધારાની શક્યતા

અંબાલાઃ કોરોના કાળમાં રેલવે સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા ભલે વધાર્યા કરે, પરંતુ હજી પણ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)માં ટિકિટ બુકિંગનો આંકડા ગયા વર્ષની તુલનામાં દૈનિક ધોરણે અઢી લાખ ઓછા છે. નાણાકીય વર્ષ 2020-21માં માર્ચ સુધી યાત્રી ટ્રેનો ના ચલાવવાને કારણે રેલવેને આશરે રૂ. 38,000 કરોડના નુકસાનનો અંદાજ છે. આ નુકસાનની ભરપાઈ માટે નૂરભાડા અને રેલવે ભાડામાં કેટલો વધારો કરવામાં આવવો જોઈએ?- એના પર વિચારવિમર્શ શરૂ થયો છે.

આ નુકસાનથી અંબાલા રેલ મંડલ પણ બાકાત નથી. અંબાલા રેલ મંડલમાં જ્યાં ગયા નાણાકીય વર્ષમાં આવક રૂ. 459 કરોડ હતી, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ઘટીને રૂ. 23 કરોડ થઈ ગઈ છે. કોરોના કાળમાં રેલ સંચાલન બંધ થવાને કારણે સૌથી વધુ અસર રેલવે પર પડી છે.

ગયા વર્ષે રેલવેની આવક જ્યાં રૂ. 53,000 કરોડ હતી, જ્યારે આ આંકડો આ વખતે રૂ. 4600 કરોડ બતાવવામાં આવી રહી છે. માર્ચ, 2021 સુધી એ આવક રૂ. 15,000 કરોડે પહોંચવાની આશા છે. આવામાં રેલવેને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે રૂ. 38,000 કરોડના નુકસાન થવાનો અંદાજ છે.

જોકે રેલવેએ સ્પેશિયલ ટ્રેનોમાં 30 ટકા ભાડાવધારો કર્યો જ છે, પણ એનાથી નુકસાન સરભર નથી થઈ શક્યું. જેથી રેલવે સામાન્ય પરિસ્થિતિ થવા પર ભાડાવધારો કરવા પર વિચાર કરી રહી છે.