વિપક્ષનું બેવડું વલણ, બંગાળે કેન્દ્રની યોજનાઓ લટકાવીઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીએ છ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી હતી. તેમણે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો સાતમો હપતો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બટન દબાવીને નવ કરોડથી વધુ ખેડત લાભાર્થીઓનાં ખાતાંઓમાં રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ખેડૂતોને સંબોધિત કરતાં મોદીએ કહ્યું હતું કે જ્યારથી યોજના શરૂ થઈ છે, ત્યારથી રૂ. 1.10 લાખ કરોડથી વધુની રકમ ખેડૂતોનાં ખાતાંઓમાં પહોંચી ચૂકી છે.

બંગાળ સરકાર પર નિશાન

મોદીએ ખેડૂતોને સંબોધન કરતાં બંગાળ સરકાર પર નિશાન સાધ્યું હતું. મને એ વાતનો રંજ છે કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને આનો લાભ નહીં મળી શકે. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી ચૂક્યા છે, પણ રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને એટલા લાંબા સમયથી અટકાવી રાખી છે.

તેમણે કહ્યું હતું કે સ્વાર્થનું રાજકારણ કરતા પક્ષો પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના થતા નુકસાન પર કંઈ પણ બોલતા નથી. આ પક્ષો ખેડૂતોને નામે દિલ્હીના નાગરિકોની હેરાનગતિ કરવામાં લાગેલા છે. તેઓ દેશના અર્થતંત્રને બરબાદ કરવામાં લાગ્યા છે. જે લોકો ખેડૂતોને નામે આંદોલન કરી રહ્યા છે, તેમણે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ લાગુ નથી કર્યો? અમે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ કાઢ્યો અને એને લાગુ કર્યો છે.