નવી દિલ્હીઃ CBIએ દેશભરમાં નવજાત બાળકોના ખરીદ-વેચાણમાં સામેલ એક નેટવર્કનો પર્દાફાશ કરીને સાત લોકોની ધરપકડ કરી છે. દિલ્હી અને હરિયાણામાં સાત જગ્યાએ દરોડા પાડીને સાતથી આઠ નવજાત બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. આમાં એક નવજાતની વય માત્ર 36 કલાક હતી, જ્યારે બીજાની વય માત્ર 15 દિવસ હતી.
CBIએ દિલ્હીના કેશવપુરમ, રોહિણી સહિત NCRમાં કેટલાય જગ્યાએ દરોડા પાડ્યા હતા. તપાસમાં માલૂમ પડ્યું હતું કે આ બાળકોને અલગ-અલગ ઘરોમાં લાવીને વેચવામાં આવતાં હતાં. આબાળકો કઈ હોસ્પિટલો અથવા મેડિકલ સેન્ટરોથી લાવવામાં આવતાં હતાં, શું તેમની ચોરી કરવામાં આવતી હતી કે કોઈ અન્ય પ્રકારે લાવવામાં આવતાં હતાં, એની તપાસ હાલ ચાલી રહી છે.
હવે કેટલીક મોટી હોસ્પિટલો અને IVF સેન્ટર CBIની રડાર પર છે. CBIની રડાર પર આસિસ્ટન્ટ લેબર કમિશનર પણ છે. તેમની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે. આરોપીઓની પાસેથી રૂ. પાંચ લાખ જપ્ત કરવામાં આવ્યા છએ. ફેસબુક પેજ અને વોટ્સગ્રુપ ગ્રુપ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર દેશભરમાં નિઃસંતાન દંપતીઓ જોડવામાં આવે છે. આ એ લોકો છે, જે લોકો બાળકોને દત્તક લેવા માગે છે.
આરોપીઓ માતાપિતાથી જ બાળકોનો સોદો નથી કરતાં, પણ સરોગેટ માતાઓ પાસેથી પણ બાળકો ખરીદવામાં આવે છે. એક નવજાત બાળકનો સોદો રૂ. 4-6 લાખમાં કરવામાં આવે છે. એજન્સીનું કહેવું છે કે આ આરોપી દત્તક લેવા સંબંધિત નકલી દસ્તાવેજ બનાવીને અનેક નિઃસંતાન દંપતીઓ પાસેથી લાખ્ખો રૂપિયાની છેતરપિંડીમાં સામેલ છે. આ મામલે CBI 10 આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.