મુંબઈઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સાચી શિવસેના તરીકે માન્ય રાખી છે અને તેને શિવસેના નામ તથા ધનુષ્ય-બાણનું ચૂંટણી પ્રતિક જાળવી રાખવાની છૂટ આપી છે. ચૂંટણી પંચે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે શિવસેનાનું હાલનું બંધારણ બિનલોકતાંત્રિક છે.
ચૂંટણી પંચનો આ નિર્ણય ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળની શિવસેના પાર્ટીને મોટો ફટકો પડ્યો છે જ્યારે શિંદે જૂથનો મોટો વિજય થયો છે. કારણ કે, બંને જૂથ ધનુષ્ય-બાણ પ્રતિક માટે લડી રહ્યા છે. એકનાથ શિંદે ગયા વર્ષે શિવસેના પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને છૂટા પડ્યા હતા.
ચૂંટણી પંચના આજના નિર્ણય અંગે એકનાથ શિંદેએ કહ્યું કે આ બાળાસાહેબ ઠાકરેના વિચારોનો વિજય છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના જૂથ સાથે સરકાર ચલાવતા ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણી પંચના નિર્ણયને આવકાર્યો છે.
બીજી બાજુ, ઉદ્ધવ ઠાકરેનું જૂથ ચૂંટણી પંચના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારે એવી શક્યતા જોવાય છે.