બેંગલુરુઃ બેંગલુરુમાં જળ સંકટ ઘેરું બની રહ્યું છે. ટેન્કર માફિયાઓ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. લોકો મોલમાં નાહવા-ધોવા જવા મજબૂર છે. લોકો બહારથી ખાવાનું મગાવી રહ્યા છે અને ડિસ્પોઝેબલમાં ખાવાનું ખાઈ રહ્યા છે, જેથી તેમણે વાસણો માંજવા ના પડે. અનેક સ્કૂલો અને ઓફિસો ઓનલાઇન થઈ ગઈ છે. આવામાં બેંગલુરુના લોકોને ફરી લોકડાઉનની યાદ આવવા લાગી છે. લોકો એકાંતરે નાહી રહ્યા છે.
જળ જીવન છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશમાં પાણીની નિરંતર ખેંચ વર્તાઈ રહી છે. બેંગલુરુમાં હાલના સમયે જળસંકટ છે. એનાથી બદતર હાલત અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે. અનેક રિપોર્ટ્સ અને અભ્યાસ કહી રહ્યા છે કે ભારત જળસંકટ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.ભારતમાં વિશ્વની 17 ટકા વસતિ રહે છે, પણ શુદ્ધ પાણીનો સ્રોત ચાર ટકા છે. CWMI રિપોર્ટ મુજબ દેશમાં પ્રતિ વર્ષ બે લાખ લોકોનાં મોત થાય છે, કેમ કે તેમને સ્વચ્છ પાણી નથી મળતું. દેશમાં 75 ટકા ઘર એવાં છે, જ્યાં આજે પણ પીવાનું પાણી નસીબ નથી થતું. વર્ષ 2030 સુધી દેશની 40 ટકા વસતિ પાસે પીવાનું પાણી નહીં હોય. આ ખતરનાક વલણ બતાવી રહ્યું છે કે દેશમાં જળસંકટ ગંભીર સાબિત થવાનું છે. બેંગલુરુ તો હજી ટ્રેલર છે. આવનારાં વર્ષોમાં હવામાન, ગ્લોબલ વોર્મિંગ વધશે અને વરસાદની વધઘટ પણ વધશે.
દેશ ગ્રાઉન્ડ વોટર પર જરૂરતથી વધુ નિર્ભર છે. અહીં વિશ્વના 25 ટકા ગ્રાઉન્ડ વોટરનો ભારતમાં ઉપયોગ થાય છે. એમાં પણ 70 ટકા ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત થઈ ચૂક્યું છે.