હિન્દુ અભિનેત્રીઓ ઝાયરા વસીમમાંથી પ્રેરણા લે, ફિલ્મ લાઈન છોડી દેઃ સ્વામી ચક્રપાણિની સલાહ

નવી દિલ્હી – હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણિએ કહ્યું છે કે હિન્દુ ફિલ્મ અભિનેત્રીઓએ ‘દંગલ’ ફિલ્મની અભિનેત્રી ઝાયરા વસીમમાંથી પ્રેરણા લેવી જોઈએ અને ફિલ્મ લાઈન છોડી દેવી જોઈએ.

ઉલ્લેખનીય છે ઝાયરાએ રવિવારે સવારે જાહેરાત કરી હતી કે ઈસ્લામ ધર્મ પ્રતિ પોતાનાં લગાવને માઠી અસર પડતી હોવાને કારણે પોતે ફિલ્મોમાં કામ કરવાનું છોડી રહી છે.

ઝાયરાનાં નિર્ણયની પ્રશંસા કરતા સ્વામી ચક્રપાણિએ કહ્યું કે, ફિલ્મોમાં કામ ન કરવાનો ઝાયરાનો નિર્ણય પ્રશંસાને પાત્ર છે. હિન્દુ અભિનેત્રીઓએ પણ ઝાયરામાંથી પ્રેરણા લેવી જોઈએ.

ફિલ્મોમાં કામ કરવું એ હિન્દુ ધર્મ કે સંસ્કૃતિની વિરુદ્ધમાં કેમ છે અને કઈ રીતે છે તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

httpss://twitter.com/SwamyChakrapani/status/1145627512518656000

18 વર્ષીય ઝાયરાએ પોતાનાં નિર્ણય વિશે ખુલાસો કરતી એક લાંબી નોંધ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી. ઝાયરાનાં નિર્ણયની જોરદાર રીતે તરફેણ કરતી અને સખત ટીકા કરતી, એમ બંને પ્રકારની ઘણી કમેન્ટ્સ સોશિયલ મિડિયા પર જોવા મળી છે.

ઘણા નેતાઓ અને સેલિબ્રિટી વ્યક્તિઓએ ઝાયરાની તરફેણ કરી છે અને કહ્યું છે કે દરેક જણે ઝાયરાનાં નિર્ણયનો આદર કરવો જોઈએ.

ઝાયરાએ 2016માં આવેલી ‘દંગલ’ ફિલ્મમાં હરિયાણાની મહિલા કુસ્તીબાજ ગીતા ફોગાટનો રોલ કર્યો હતો. ત્યારબાદ 2017માં એ ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મમાં પણ જોવા મળી હતી. એની નવી ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિન્ક’ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. નવી ફિલ્મમાં એ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સાથે અભિનય કરતી જોવા મળશે. ફિલ્મનાં નિર્માતાઓએ પણ એક નિવેદન બહાર પાડીને ઝાયરાનાં નિર્ણયને ટેકો આપ્યો છે.

‘ધ સ્કાય ઈઝ પિન્ક’ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે.

મારો કોઈ સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક કરાયો નથીઃ ઝાયરાની સ્પષ્ટતા

દરમિયાન, ઝાયરાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, હું આ સાથે સ્પષ્ટતા કરી દેવા માગું છું કે મારાં એક પણ સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યા નથી અને તે હું પોતે જ ચલાવું છું. આ સિવાયનું જણાવતા કોઈ પણ દાવા પર વિશ્વાસ કરશો નહીં.

httpss://twitter.com/ZairaWasimmm/status/1145649787959558145