અમરનાથ યાત્રા: 26 વર્ષ, 14 હુમલા, 68 મોત, આ વખતે હાઈરિસ્કને લઇ સુરક્ષા સઘન

જમ્મુ- જમ્મુ-કશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા આજથી શરુ થઈ રહી છે. 1 જુલાઈથી આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ યાત્રાની સુરક્ષાને લઈને જમ્મુ-કશ્મીર સરકાર, સુરક્ષાદળો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂરતી વ્યવસ્થા કરી છે. પાકિસ્તાનની સાથે કડક વલણ અપનાવવા અને ઘાટીમાં આતંકીઓના સફાયા માટે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટને ધ્યાનમાં રાખતા આ વખતે અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા એજન્સીઓ ચાંપતી સુરક્ષા રાખી રહી છે. ખાસકરીને 2017ના હુમલા અને આ વર્ષે ફેબ્રુઆરીના પુલવામા હુમલા પછીથી અમરનાથ યાત્રા પર મંડરાઈ રહેલા ખતરાનું લેવલ પણ હાઈ થઈ ગયું છે.

સુરક્ષાદળોએ ઓપરેશન ઓલઆઉટમાં આ વર્ષે અત્યાર સુધીમાં 130 આતંકીઓને ઠાર કર્યા છે. કશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાનાર છે. આ સ્થિતિમાં આતંકીઓ મોટા હુમલાને અંજામ આપી શકે છે. જેથી અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા કડક કરી દેવાઈ છે.

તાજેતરમાં જ 12 જૂને થયેલા અનંતનાગ હુમલામાં અમરનાથ યાત્રા માટે ખતરાનું જોખમ વધી ગયું છે. અમરનાથ યાત્રાના રૂટ પર આવતા અનંતનાગમાં 12 જૂને આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 5 જવાનો શહીદ થયા હતાં. સાથે અનંતનાગ પોલિસ ઈન્સપેક્ટર અરશદ ખાન પણ શહીદ થયા હતાં.

મહત્વનું છે કે, બાલતાલ રૂટ પરથી અમરનાથ યાત્રાને આતંકીઓ નિશાન બનાવી શકે છે, આવું ગુપ્ત એજન્સીનું એલર્ટ પણ છે. જમ્મુ રેલવે સ્ટેશનથી લઈને પવિત્ર અમરનાથ યાત્રાના રૂટ પર 40 હજારથી વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

 

1980ના દાયકાના અંતમાં કશ્મીરમાં પાકિસ્તાનની સરહદ પર આતંકવાદનો ઉછેર થયો. આતંકીઓએ વર્ષ 1993માં પ્રથમ વખત બાબા અમરનાથની યાત્રાને નિશાન બનાવી. પરંતુ અમરનાથ યાત્રા પર  સૌથી મોટો હુમલો વર્ષ 2000માં થયો. જેમાં 32 શ્રદ્ધાળુઓના મોત થયા હતાં. 2017માં શ્રદ્ધાળુંઓની બસ પર હુમલો થયો હતો.  1993થી અત્યાર સુધી 26 વર્ષમાં અમરનાથ યાત્રા પર 14 વખત હુમલાઓ થઈ ચૂક્યા છે. જેમાં 68 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

1993: પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન હરકત ઉલ અંસાર અને લશ્કર એ તોયબાની સતત ધમકીઓ વચ્ચે 1993માં અમરનાથ યાત્રા પર પ્રથમ હુમલો થયો હતો. એ વર્ષે થયેલા બે હુમલામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો.

વર્ષ 1994: આ વર્ષે પણ અમરનાથ યાત્રા પર એક હુમલો થયો હતો. જેમાં બે અમરનાથ યાત્રીઓના મોત થયા હતાં.ં

અમરનાથ યાત્રીઓ પર ત્રીજો હુમલો 1995માં થયો. આ જ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન ત્રણ આતંકી હુમલા થયા હતાં, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ.

વર્ષ 1996માં ફરી અમરનાથ યાત્રીઓ પર બે હુમલા થયાં, પરંતુ જાનમાલનું કોઈ નુકસાન ન હતું થયું.

2 ઓગસ્ટ 2000 આતંકીઓનો સૌથી મોટો હુમલો

આતંકીઓએ વર્ષ 2000માં અમરનાથ યાત્રા પર સૌથી મોટો હુમલો કર્યો. આતંકીઓએ 2 ઓગસ્ટ 2000ના રોજ અમરનાથ યાત્રીઓના પહલગામ બેસ કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલામાં 32 શ્રદ્ધાળુ, સ્થાનિક દુકાનદાર અને પોર્ટરોનો જીવ ગયો હતો. આ બર્બર આતંકી હુમલામાં 60થી વધુ લોકો ઘાયલ પણ થયા હતાં. આ હુમલા પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબાનો હાથ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ હુમલો અમરનાથ યાત્રા પર થયેલા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો.

20 જુલાઈ 2001ના રોજ આતંકીઓએ પહલગામ બેસ કેમ્પથી આગળ શેષનાગ લેક પાસે અમરનાથ યાત્રીઓના એક કેમ્પ પર બે હાથગોળા ફેંક્યાં. જેમાં 12 લોકોના મોત થયાં અને 15 લોકો ઘાયલ થયાં હતાં.

30 જુલાઈ 2002: શ્રીનગરમાં શ્રદ્ધાળુંઓની ટેક્સીને નિશાન બનાવી હતી.

30 જુલાઈ 2002ના રોજ આતંકીઓએ શ્રીનગરમાં અમરનાથ યાત્રા માટે જઈ રહેલી શ્રદ્ધાળુઓની ખાનગી ટેક્સ પર હુમલો કર્યો. આ હુમલામાં બે યાત્રીઓના મોત થઈ ગયા અને બે ઘાયલ થયા હતાં.

પહેલગામના નનવાન કેમ્પ નજીક લશ્કરના આતંકીઓએ 6 ઓગસ્ટ 2002ના રોજ ગ્રેનેડ વડે હુમલો કરીને ફાયરિંગ કર્યું જેમાં 9 લાકોના મોત થયાં અને 27 લોકો ઘાયલ થયા.

વર્ષ 2006માં આતંકીઓએ ફરી એક વખત અમરનાથ યાત્રાને નિશાન બનાવી. આ વખતે આતંકીઓએ અમરનાથ યાત્રીઓથી ભરેલી બસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

2006ના હુમલા પછી 11 વર્ષ સુધી આતંકીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવામાં સફળ ન થઈ શક્યા. પરંતુ 10 જુલાઈ 2017ના રોજ ફરી આંતકીઓએ અમરનાથ યાત્રાને નિશાન બનાવી. અનંતનાગમાં આતંકીઓએ અમરનાથ યાત્રીઓની બસ પર બેફામ ફાયરિંગ કર્યું, જેમાં 7 અમરનાથ યાત્રીઓના મોત થયા અને 32 લોકો ઘાયલ થયા હતાં.

હવે આ વખતે અમરનાથ યાત્રાને સુરક્ષિત પૂર્ણ કરાવવાનો સુરક્ષા દળો સામે સૌથી મોટો પડકાર છે. ગત વર્ષે 2,85,006 શ્રદ્ધાળુંઓએ પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કર્યા હતાં. શ્રદ્ધાળુઓની આટલી મોટી સંખ્યાને સુરક્ષા પૂરી પાડવી એક મોટો પડકાર છે. આને ધ્યાનમાં રાખતાં આ વખતે સુરક્ષાદળોના 40 હજાર જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે.