નવી દિલ્હીઃ દેશના કેટલાય ભાગોમાંથી ચોમાસાની ધીમે-ધીમે વિદાય થઈ રહી છે. હવામાન વિભાગે (IMDએ) જણાવ્યું હતું કે દેશભરમાં વરસાદ હવે ઓછો થશે. જોકે આ ચોમાસાની સીઝન દરમ્યાન ઓગસ્ટમાં 44 વર્ષોમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, પણ હવે દેશમાં ક્રમશઃ વરસાદનું જોર ઘટશે.
સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસોમાં 27.5 ટકા ઓછો વરસાદ થયો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ અને દેશના અન્ય કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પછી નાની ઘટનાઓને બાદ કરતાં મોસમની સ્થિતિ મોટા ભાગે શુષ્ક રહેવાની સંભાવના છે.
નેશનલ વેધર ફોરકાસ્ટ સેન્ટર (NWFC), IMDના એક વૈજ્ઞાનિક આરકે જેનામનીએ કહ્યું હતું કે આવનારા એક સપ્તાહ સુધી વરસાદ થવાની કોઈ શક્યતા નથી. સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે.
મોન્સુન ટ્રફના પશ્ચિમી વિસ્તાર (પશ્ચિમી રાજસ્થાનના ગંગાનગરથી બંગાળની ખાડી સુધી)માં સામાન્ય સ્થિતિથી દક્ષિણમાં છે અને આગામી બે દિવસ સુધી આ પ્રકારે બની રહેવાની ધારણા છે. મોન્સુન ટ્રફ શનિવારથી સામાન્ય સ્થિતિને બદલે ઉત્તરમાં સ્થાનાંતરિત થાય એવી સંભાવના છે, એમ હવામાન વિભાગે કહ્યું હતું.
ગઈ કાલે મધ્ય પ્રદેશના વિદિશામાં 12 સેન્ટિમીટર વરસાદ નોંધાયો હતો. હિમાચલ પ્રદેશની મંડીમાં નવ સેમી અને ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં આઠ સેમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં એક ચક્રવાતી સર્ક્યુલેશન બનેલું છે.
આ સર્ક્યુલેશનના પ્રભાવથી ગાજવીજ સાથે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં શુક્રવારે અને સોમવારની વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.