ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના આ શહેરના મુરાદનગર વિસ્તારની સ્મશાનભૂમિમાં આજે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. દયાનંદ કોલોનીના એક રહેવાસી દયારામનું નિધન થતાં એમના પાર્થિવ શરીરની 100 જેટલા લોકો અંતિમવિધિ કરી રહ્યાં હતાં ત્યારે સ્મશાનભૂમિમાં ગેલેરીની (ડાઘુઓ માટે બેસવા-ઊભવાની જગ્યા)ની છત તૂટી પડતાં એની નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા 18 જણના કરૂણ મરણ નિપજ્યા છે. 38 જેટલા લોકો ઈજા પામ્યા છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વરસાદ પડતો હોવાથી ઘણા લોકો છત નીચે ઊભા હતા.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાહત કામગીરી હાથ ધરવા અને દુર્ઘટનાનો અહેવાલ આપવા અધિકારીઓને સૂચના આપી છે. અસરગ્રસ્તોને તમામ સંભવિત મદદ કરવાની પણ તેમણે ટ્વીટ કરીને ખાતરી આપી છે.
