અશ્વિનીનો UCC પર ચર્ચા કરવા ઓવૈસીને પડકાર

નવી દિલ્હીઃ ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને યુનિફોર્મ સિવિલ કોડ વિશે ચર્ચા કરવા માટે ટ્વિટર પર આમંત્રિત કર્યા હતા.ઓવૈસીએ તેમનું આમંત્રણ જોઈને તેમને જવાબ આપવાને બદલે તેમને બ્લોક કરી દીધા હતા. ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય યુનિફોર્મ સિવિલ કોડ (UCC) માટે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. આ પહેલાં તેમના દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં 12 સુધીના વિદ્યાર્થીઓ માટે એકસમાન શિક્ષણ પ્રણાલી, માત્ર ભાષામાં સામાન્ય અભ્યાસક્રમ લાગુ કરવા માટે કેન્દ્રથી નિર્દેશની માગ કરતાં એક જનહિત અરજી (PIL) કરી હતી. આ અરજીમાં તેમણે સ્કૂલો અને કોચિંગ પર કેટલાક આરોપો લગાડ્યા હતા.

અશ્વિની ઉપાધ્યાય ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમણે સમાન શિક્ષણના અધિકારથી માંડીને સમાન નાગરિક સંહિતા લાગુ કરવા સહિતના મુદ્દે જનહિત અરજીઓ દાખલ કરી છે. તેમણે શનિવારે દિલ્હી હાઇકોર્ટમાં વકફ કાનૂન 1995ની જોગવાઈઓને પણ પકડાર ફેંક્યો હતો.

તેમની અરજી પર મંગળવારે સુનાવણી થશે. તેમનો તર્ક છે કે વકફ કાનૂનથી અન્ય ધર્મોની સાથે ભેદભાવ થાય છે. તેમણે આ અરજીમાં આ કાનૂન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશની સંસદને વકફ સંપત્તિ માટે વકફ કાનૂન 1995 બનાવવાનો અધિકાર જ નથી. સસંદ સાતમી અનુસૂચિની ત્રીજી યાદીમાં આપેલી આઇટમ 10 અને 28ની બહાર જઈને ટ્રસ્ટ, ટ્રસ્ટની સંપત્તિ, ધર્માર્થ અને ધાર્મિક સંસ્થાઓ અને સંસ્થાનો માટે કોઈ નિયમ કાયદા નક્કી નથી કરી શકતી. નવેમ્બર, 2021માં એક મામલાની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ અશ્વિની ઉપાધ્યાયને કહ્યું હતું કે તમારી એટલી બધી અરજીઓ છે કે તમારા માટે એક અલગ બેન્ચ બનાવવી પડશે.