TRP કૌભાંડમાં અર્ણવની લાંચ બદલ ધરપકડની શક્યતા

મુંબઈઃ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના ભૂતપૂર્વ CEO પાર્થો દાસગુપ્તાએ ટીઆરપી કૌભાંડ મામલે મોટો ખુલાસો કર્યો છે. રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીએ ટીઆરપીમાં ઘાલમેલ કરવા માટે 12,000 ડોલર આપ્યા હતા. આ વાતનો ખુલાસો પાર્થોએ મુંબઈ પોલીસની સામે લેખિત નિવેદનમાં આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેમને ફિક્સ રેટિંગ માટે કુલ રૂ. 40 લાખ મળ્યા છે.

મુંબઈ પોલીસે 11 જાન્યુઆરીએ 3600 પાનાંની સપ્લિમેન્ટરી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી છે. એમાં બાર્કના ફોરેન્સિક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. આમાં મુંબઈ પોલીસના દાસગુપ્તા અને અર્ણવની વચ્ચેની લાંબી વાતચીતને વોટ્સએપ ચેટ અને 59 લોકોનાં નિવેદનો પણ ફાઇલ કરવામનાં આવ્યાં છે, જેમાં કેબલ ઓપેરેટર્સ અને બાર્ક કાઉન્સિલના ભૂતપૂર્વ કર્મચારી પણ સામેલ છે.

ચેટ લીક મામલો સામો આવ્યા પછી ફરીથી અર્ણવ ગોસ્વામી પર ધરપકડની તલવાર લટકી રહી છે. એને લઈને મહારાષ્ટ્ર સરકાર સતત કાયદાવિદો સાથે સંપર્કમાં છે. રવિવારે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાથી સંકળાયેલો છે અને કેન્દ્ર સરકારે આ વિશે જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે  મહારાષ્ટ્ર સરકાર આ સંબંધમાં કાયદાની સલાહ લઈ રહી છે કે શું રાજ્યનો ગૃહવિભાગ ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923 હેઠળ આ મામલે કાર્યવાહી કરી શકે છે.

કેટલાક દિવસો પહેલાં અર્ણવ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ પ્રમુખ પાર્થો દાસગુપ્તાની વચ્ચે ચેટ લીક થઈ ગઈ હતી. એને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે શેર કરી હતી. આ ચેટ મુજબ ગોસ્વામીને 2019માં થયેલી બાલાકોટ સ્ટ્રાઇક વિશે પહેલેથી માહિતી હતી. ઇન્ડિયન એર ફોર્સે 26 ફેબ્રુઆરી, 2019એ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના એક ટ્રેનિંગ કેમ્પમાં એર સ્ટ્રાઇક કરી હતી.