શ્રીનગરઃ બાબા અમરનાથની પવિત્ર ગુફામાં બરફના શિવલિંગનાં દર્શન માટે હિન્દુ શ્રદ્ધાળુઓમાં મોટી આસ્થા ધરાવતી વાર્ષિક અમરનાથ યાત્રા 43 દિવસ પહેલાં શરૂ કરાયા બાદ સમાપ્ત થઈ છે. આખરી પૂજા કરવા માટે છડી મુબારકનું ગઈ કાલે પવિત્ર ગુફા ખાતે આગમન થતાં આ વર્ષની યાત્રાનું વિધિસર સમાપન થયું છે. આ યાત્રા શાંતિપૂર્વક સમાપ્ત થઈ છે જેને કારણે તમામ સત્તાવાળાઓ તથા શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ વખતની યાત્રા માટે ત્રણ લાખ કરતાંય વધારે લોકોએ એમનાં નામ નોંધાવ્યાં હતાં. યાત્રા શાંતિપૂર્વક સમાપ્ત થતાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના વહીવટીતંત્ર, કેન્દ્ર સરકાર તથા વિવિધ સુરક્ષા દળોનો આભાર માનવામાં આવી રહ્યો છે.
કોરોનાવાઈરસને કારણે બે વર્ષ સુધી મોકૂફ રખાયા બાદ આ વખતે અમરનાથ યાત્રા યોજવામાં આવી હતી. આ વર્ષની યાત્રા દરમિયાન કમનસીબે 71 યાત્રીઓનાં મરણ નિપજ્યાં હતાં. એમાંના 15 જણનાં મરણ 8 જુલાઈએ પવિત્ર ગુફા નજીકના સ્થળે વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે થયા હતા. અન્યોનાં મરણ હૃદયરોગના હુમલાથી અથવા અન્ય બીમારીઓને કારણે થયા હતા. આતંકવાદીઓના હુમલાની ભીતી વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સરકારે પૂરતાં પગલાં લીધા હતા.