બે-અઠવાડિયામાં મુંબઈ-મહાપાલિકાની ચૂંટણીની-તારીખ જાહેર કરોઃ SCનો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત મહાવિકાસ આઘાડી સરકારને આદેશ આપ્યો છે કે તે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની વિલંબિત થયેલી ચૂંટણીની તારીખો બે અઠવાડિયામાં જાહેર કરે.

રાજ્ય સરકારે અગાઉ એમ કહ્યું હતું કે અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ના લોકો માટે સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં બેઠક અનામત રાખવા માટે ઘડાયેલી નીતિને મંજૂરી મળી ગયા બાદ જ તે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીની તારીખો જાહેર કરશે. પરંતુ સર્વોચ્ચ અદાલતે તેને કહ્યું છે કે આ આદેશની બંધારણીયતા વિશે તે બાદમાં સુનાવણી કરશે.

એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ઓબીસી અનામત અંગે નિર્ણય લેવાય તે પહેલાં મુંબઈ, નવી મુંબઈ, થાણે, વસઈ-વિરાર, કલ્યાણ-ડોંબિવલી, પુણે, ઉલ્હાસનગર, પિંપરી ચિંચવડ, સોલાપુર, અકોલા, અમરાવતી, નાગપુર, ઔરંગાબાદ, કોલ્હાપુર મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવાની રાજ્ય સરકારને ફરજ પડશે.