શ્રીનગર- જમ્મુ અને કશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ભારતીય સોનાના જવાનોએ હથિયાર કબજે કર્યા છે.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ખાનબલના મુનિવાદ ગામમાં આતંકવાદી હોવાની નક્કી બાતમીના આધારે સુરક્ષાદળોએ આજે સવારે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું.
જમ્મુ-કશ્મીર પોલીસના DGP એસ.પી. વૈદ્યે પણ સેનાના ઓપરેશનને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓ દ્વારા પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરતાં એન્કાઉન્ટર શરુ થયું હતું. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં ટ્રેન અને ઈન્ટરનેટ સેવા અસ્થાયી રુપે બંધ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આતંકીઓએ મંગળવારે પણ કશ્મીર ખીણ વિસ્તારના પુલવામામાં સેનાની ગાડી પર હુમલો કરીને વિસ્ફોટ કર્યો હતો. આતંકીઓએ બ્લાસ્ટ કરીને સેનાની ગાડીને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. પોતાના પ્રયાસમાં આતંકીઓ સફળ પણ રહ્યાં હતાં. જોકે, સેનાના જવાનોએ વળતો પ્રહાર કર્યો હતો. છતાં આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યાં હતાં.