નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે દેશનાં લોકોને વિનંતી કરી છે કે તેઓ અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં કિબિથૂ ગામ-વિસ્તારની મુલાકાત જરૂર લે, જે પૂર્વ તરફ ‘ભારતનું પ્રથમ ગામ’ છે. કિબિથૂના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવાનો આનંદ લેવા જેવો છે અને તેના ઈતિહાસમાંથી પ્રેરણા લેવા જેવી છે, એમ અમિત શાહે કહ્યું છે.
કિબિથુ ભારતના પૂર્વીય ભાગમાં એકદમ છેવાડાનું ગામ છે. તે ચીન સાથે સરહદ બનાવે છે. અમિત શાહ ગઈ 10 એપ્રિલે ત્યાં ગયા હતા અને આઈટીબીપી મથકમાં રાતવાસો કર્યો હતો. એમણે પોતાના સોશિયલ મિડિયા પેજીસ પર કિબિથૂના બરફાચ્છાદિત પહાડો, પાણીના ધોધ, નદી અને ખીણ દર્શાવતો એક વિડિયો પોસ્ટ કર્યો છે. એમણે લખ્યું છે કે, અરૂણાચલ પ્રદેશમાં પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર છે અને આકર્ષક છે. અહીંના પહાડ, નદી, ઝરણા અને હિમવર્ષા મનમોહક છે. હું તમામને વિનંતી કરું છું કે તેઓ અરૂણાચલ પ્રદેશની અને ખાસ કરીને કિબિથૂની મુલાકાત લે. તમે અહીંનું કુદરતી સૌંદર્ય જોઈને દંગ રહી જશો.
અમિત શાહે કહ્યું છે કે, કિબિથૂ ભારતનું છેલ્લું ગામ નથી, પરંતુ પહેલું ગામ છે, કારણ કે દેશમાં દરરોજ સવારે ઉગતા સૂર્યના કિરણો સૌથી પહેલાં કિબિથૂમાં પડે છે. 1962માં ચીન સાથે યુદ્ધ થયું હતું ત્યારે ભારતીય સૈનિકોએ આ જ ગામમાંથી ચીની સૈનિકો સામે જંગ ખેલ્યો હતો અને દેશની ભૂમિનું રક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરન રિજીજુ, જેઓ અરૂણાચલ પ્રદેશના વતની છે, એમણે અમિત શાહની પોસ્ટની સરાહના કરી છે.