નવી દિલ્હી- ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં એક પછી એક વિજય તરફ સતત અગ્રેસર કરનારા અમિત શાહનું કદ પાર્ટીમાં તો વધી જ રહ્યું છે. પરંતુ સોશિયલ મીડિયામાં પણ અમિત શાહ સક્ષમ નેતા તરીકે ઝડપથી આગળ આવી રહ્યાં છે.સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર અમિત શાહની વધતી લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી આવી શકે કે, વર્તમાન સમયમાં અમિત શાહ પીએમ મોદી પછી બીજા નંબરના સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યાં છે. ટ્વીટર પર અમિત શાહનાં ફોલોઅર્સની સંખ્યા એક કરોડનો આંકડો પાર કરી ગઈ છે. જ્યારે પીએમ મોદીના લગભગ 5 કરોડ ફોલોઅર્સ છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહેલેથી જ વૈશ્વિક લોકપ્રિય નેતા છે.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટરના આંકડાઓ જોડવામાં આવે તો, અમિત શાહના ફોલોઅર્સની સંખ્યા પીએમ મોદી બાદ બીજા નંબરે આવે છે. આ ઉપરાંત ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની વાત કરવામાં આવે તો અહીંયા પણ પીએમ મોદી પછી અમિત શાહ સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. ગત છ મહિનામાં અમિત શાહની લોકપ્રિયતામાં સતત વધારો જોવા મળ્યો છે.